ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં સીંગતેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી છે. રોજની એક મીની મિલ અંદાજે 40 ડબ્બા તેલનું પિલાણ કરે છે. ગીર સોમનાથના ખેડૂતો વળ્યા સીંગતેલ તરફ, છેલ્લા વર્ષથી 2 દાયકા બાદ ખેડૂતો સીંગતેલ તરફ વળતા ગીરનાં ગામડાઓમાં ધમધમી છે મીની ઓઈલ મિલો.
ગીર સોમનાથમાં મીની મિલો પર 5-5 દિવસ મગફળી પીલાવવા માટે રાહ જોવી પડે છે. ખેડૂતો પોતાની મગફળીનું તેલ કઢાવી ઘર માટે ઉપયોગમાં તો લે જ છે પરંતુ પોતાના સગા સંબંધી અને પરિચિતોને પણ ઘાણીનું તેલ આપી રહ્યાં છે. સીંગતેલની માંગ વધતા ખેડૂત વેપારી પણ બની ચુક્યો છે. આ ઉપરાંત ગુજરાતી પ્રજા મૂળે વ્યાપારી હોવાથી બજારમાં મળતા કેમિકલ યુક્ત ફિલ્ટર મોંઘા તેલ ખરીદવાને બદલે મીની ઓઈલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાનાં આગ્રહી બન્યા છે.
આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200થી વધુ મીની મિલો ગ્રામ્ય તેમજ તાલુકા મથકે શરૂ થઈ છે. એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી 500 ખાંડી મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાંથી લગભગ 8 ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લાની મીની મિલોમાં રોજના 4000 આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે. જેમાં છેલ્લા એકાદ મહિનામાં જ લગભગ સવાથી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે.
મોટાભાગની મગફળી દાણામાં નિકાસ થતી હોવાથી અને તેલમાં માત્ર 5 ટકા લોકોજ ખાનારા હોવાથી સિંગતેલના ભાવો ઊંચા રહે છે. નિકાસ બંધ થાય તો સિંગતેલના ભાવ ઘટી શકે. કેમ કે બજારમાં વેચાતા અન્ય તેલનાં ડબ્બા કરતાં 500 રૂપિયા જેટલો ખેડૂતોને ફાયદો તો થાય છે. પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.
શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી મીની ઓઈલ મિલોમાં કઢાવી રહ્યાં છે. ઘરેલુ ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે. સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારુ રહે છે.