નાણા મંત્રી નર્મલાએ બજેટ સ્પીચ આપતા જ વિપક્ષએ કુંભ મેળામાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠાવ્યો
- નાણામંત્રીએ 77 મિનિટ સ્પીચ દરમિયાન 5 વખત પાણી પીધું
- અધ્યક્ષએ અખિલેશને ઠપકો આપતા વિપક્ષનું વોકઆઉટ
- નિર્મલાએ સંસદ ભવન આવતા પહેલા રાષ્ટ્રપતિના આશીર્વાદ લીધા
નવી હિલ્હીઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે લોકસભામાં 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. સંસદ ભવન આવતા પહેલા જ નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી સીતારમણ બજેટ પોથી લઈને સંસદ ભવન પહોંચ્યા હતા.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણનો પ્રારંભ કરતા જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તેમને રોકતા સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણા સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. સીતારમણે તેમના 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે, 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે 5 વખત પાણી પીધું હતું.
લોકસભામાં નાણા મંત્રીએ બજેટ ભાષણનો પ્રારંભ કરતા - સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના સાંસદોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમના સૂત્રોચ્ચાર વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને ઠપકો આપ્યો અને તેમને શાંત રહેવા કહ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ દરમિયાન વિપક્ષના ઘણા સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. તેમણે ભાષણ આપવાનું શરૂ કરતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા સાંસદો વોકઆઉટ કરી ગયા હતા.
વડાપ્રધાને નાણાપ્રધાનની દરેક મોટી જાહેરાત પર ટેબલ થપથપાવીને સ્વાગત કર્યું. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવાની જાહેરાત હોય કે બિહારમાં મખાના બોર્ડની રચનાની વાત હોય. PM એ તમામ જાહેરાતો પર ટેબલ થપથપાવ્યું હતું.