કાર ખરીદવાની રીતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રાંતિકારી બદલાવ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ચેટબોટ્સ કે ટેક ઉદ્યોગ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ કાર ખરીદવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. તાજા અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધી દુનિયાભરમાં 4થી 5 કરોડ કાર ડીલ્સ પર જનરેટિવ AI આધારિત અસિસ્ટન્ટ્સનો સીધી અસર જોવા મળશે.
ઓપનએઆઈ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ની રિપોર્ટ અનુસાર, જે વાહન ઉત્પાદક કંપનીઓ વહેલી તકે જનરેટિવ AIનો ઉપયોગ શરૂ કરશે, તેમના વેચાણમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે આ બદલાવથી દૂર રહેતી કંપનીઓને આવકમાં 15 ટકા સુધીનું નુકસાન સહન કરવું પડી શકે છે.
ભવિષ્યમાં જનરેટિવ AI આધારિત અસિસ્ટન્ટ્સ ન્યુટ્રલ એડવાઇઝર તરીકે કામ કરશે. તેમની મદદથી ગ્રાહકો કાર કૉન્ફિગર કરી શકશે, લોન વિકલ્પોની તુલના કરી શકશે અને સીધી ટેસ્ટ ડ્રાઇવ પણ બુક કરી શકશે. આ કારણે "બ્રાન્ડ લોયલ્ટી" ઘટી શકે છે, કારણ કે ખરીદદારો હવે ભાવ, માઈલેજ અને ફીચર્સ જેવા પ્રેક્ટિકલ મુદ્દાઓના આધારે વાહન પસંદ કરશે.
રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે કંપનીઓએ પોતાના ગ્રાહકો વચ્ચે ઓળખ જાળવવા માટે AI આધારિત પ્લેટફોર્મ પર મજબૂત હાજરી રાખવી પડશે. તેઓ મલ્ટી-બ્રાન્ડ માર્કેટપ્લેસ સાથે જોડાઈ શકે છે અથવા પોતાનો બ્રાન્ડેડ AI અસિસ્ટન્ટ લોન્ચ કરીને ગ્રાહકોને હાઇપર-પર્સનલાઇઝ્ડ અનુભવ આપી શકે છે.
ઘણા વખત ગ્રાહકો માહિતી મેળવ્યા પછી ખરીદી કરતા નથી, પરંતુ જનરેટિવ AI ચેટબોટ્સ દરેક ભાષામાં 24x7 ઉપલબ્ધ રહેશે. આથી ગ્રાહકોને તરત જ પ્રશ્નોના જવાબ મળશે, ટેસ્ટ ડ્રાઇવ શેડ્યૂલ થઈ શકશે અને કંપનીઓ વધુ પૂછપરછને વાસ્તવિક વેચાણમાં ફેરવી શકશે. સાથે જ, ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.