લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ: અમિત શાહc
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ કલા છે. ગુજરાત વિધાનસભા દ્વારા દેશમાં પ્રથમવાર લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ અંગેની તાલીમનું આયોજન કરવાનો નિર્ણય ખરેખર સરાહનીય છે. લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ છે. ક્ષતિગ્રસ્ત લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગના પરિણામે અનેક જટીલ સમસ્યાઓ ઉદભવે છે અને ન્યાયતંત્રનો હસ્તક્ષેપ વધે છે.
લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને સંપૂર્ણ કરવાની એક અનોખી કલા છે, તેમ કહેતા અમિત શાહે ઉમેર્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન અને પરિશ્રમથી નિર્માણ થયેલું ભારતનું સંવિધાન લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સંવિધાન બાબતે આશરે ગૃહમાં 165 દિવસ સુધી ચર્ચાઓ ચાલી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને હંસાબેન મહેતા જેવા અનેક વિદ્વાનોએ ચર્ચામાં ભાગ લઈને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
કાયદો બનાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પોતાના વિચારો રજૂ કરતા અમિત શાહે ઉમેર્યું હતું કે, કાયદો બનાવતી વખતે તેમાં સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને કાયદામાં જે ઉદ્દેશ્ય કરવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા અને સરળ ભાષાથી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘટે છે. કાયદાની જોગવાઈઓ પણ અમલ કરનારને રક્ષણ આપતી અને ભંગ કરનારને દંડ કરતી હોય તેવી સ્પષ્ટ રાખવી જરૂરી છે. સાથે જ, કાયદો બનાવતી વેળાએ જે તે વિષયના નિષ્ણાત, સંબંધિત અધિકારીઓ અને નાગરિકોના પ્રતિભાવો અને વિચારોને પણ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવા જોઈએ, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.