ભાવનગરના ગોપનાથથી મહુવા સુધી દરિયા કાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
- દરિયાના છીછરા પાણીમાં છબછબિયા કરતા વિદેશી પક્ષીઓ
- કુંજ પક્ષીઓના કોલાહલથી અનેખો માહોલ
- નાના તળાવો, મીઠા પાણીના સરોવરોમાં પણ વિદેશી પક્ષીઓ ઉત્તરી આવ્યા
ભાવનગરઃ શિયાળાની ઋતૂના પ્રારંભમાં જ રાજ્યના ગણાબધા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. કચ્છના રણથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે.જ્યારે ભાવનગર જિલ્લામાં ગોપનાથથી મહુવા સુધીના દરિયા કાંઠાના છીછરા પાણીમાં તેમજ આ વિસ્તારામાં આવેલા તળાવો અને સરોવરોમાં પણ વિદેશી પક્ષીઓએ મુકામ કર્યા છે. વહેલી સવારે આકાશમાં ઈશાનથી પશ્ચિમ તરફ ગ્રુપમાં ચીચિયારી સાથે પસાર થતા કુંજ પક્ષીઓનો અદભુત નજારો જોવા મળે છે અને અન્ય યાયાવર પંખીઓ પણ હુંફાળો શિયાળો ગાળવા આવવા લાગ્યા છે.
જિલ્લાના ગોપનાથથી મહુવા સુધીના તમામ જળપ્લાવિત ક્ષેત્રોમાં વિદેશી પંખીઓને પુરતો ખોરાક, શાંત અને નિર્ભયતાનું હુફાળુ પારણુ મળી રહેતું હોવાથી વિદેશી પરોણા પંખીઓ અહિ બે થી ત્રણ માસની સ્થિરતા કરી મહેમાનગતિ માણે છે.વહેલી સવારે આકાશમાં પશ્ચિમ તરફ એકી સાથે પસાર થતા કુંજ પક્ષીઓનો નજારો જોવા મળી રહ્યો છે. તળાજાનાં દરિયાઈ કંઠાળ ક્ષેત્રોમાં મીઠા પાણીના તળાવડાઓ અને નાના મોટા જળાશયો, ઘાંસિય મેદાનો, કુંઢડા નજીકની વન વિભાગની વીડી તેમજ શાંત ડુંગરમાળમાં દર વર્ષ શિયાળામાં વિદેશથી શરદ પ્રવાસી સુરખાબ (ફલેમીંગો), કુંજડા , પેણ (પેલીકન), સહિત વિવિધ પ્રકારનાં પરદેશી પંખીઓનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
ગોહિલવાડનાં તમામ જળપ્લાવિત ક્ષેત્રોમાં આવતા શિયાળુ મહેમાન પંખીઓને પુરતો ખોરાક, શાંત અને નિર્ભયતાનું હુફાળુ વાતાવરણ મળી રહેતું હોવાથી વિદેશી પંખીઓ બેથી ત્રણ માસની મહેમાનગતિ માણે છે. પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઇબિરીયા, મધ્ય એશિયા વગેરે દેશોમાં શિયાળામાં સર્જાતા કાતિલ હિમ પ્રપાતથી પ્રભાવિત સેંકડો પંખીઓની પ્રજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજારો કિ.મી.ની હવાઇ ઉડાન ભરીને આપણા પ્રદેશમાં નિયમિત રીતે હુંફાળો શિયાળો ગાળવા ઉતરી પડે છે જેમાં ખંભાતનાં અખાતમાં ભાવનગર જિલ્લાનાં 152 કિ.મી દરિયા કાંઠાઓમાં પુનમ અને અમાસની મોટી ભરતીથી સર્જાયેલ તળાવડાઓ, મીઠાના અગરો તેમજ કંઠાળ વિસ્તારની સીમમાં મીઠા પાણીનાં તળાવોનાં પ્રદુષણ રહિત વાતાવરણમાં કિલકિલાટ સર્જી જળ ક્ષેત્રોને ગજવી મુકે છે .
ગોહિલવાડની દરિયાઇ પટ્ટી, અને મીઠા પાણીનાં જળાશયો, ઘાંસિયા મેદાનો, અને પાણી નજીકની પર્વત માળાઓનાં શાંત વિસ્તારમાં સામાન્ય સંજોગોમાં નિયમિત આવતા સુરખાબ, કુંજ, પેણ, તમામ પ્રકારની બતક, ચમચા, બગલા, કાકણ, કલકલીયો (કિંગફીશર), ગયણો બાટણો, દુધરાજ, હેરીયર, ગડેરો સહિત 30 થી 40 પ્રકારનાં પંખીઓ મુકામ કરે છે.