અંબાજી મંદિરમાં યાત્રિકોને ગરમીથી રાહત માટે પાણી, છાશ, મંડપ અને એરકૂલરની વ્યવસ્થા
- યાત્રિકોને માટે મંદિરના પરિસરમાં વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા
- ઠંડાપાણી માટે કૂલરો મુકાયા
- પરિસરમાં મંડપ બાંધીને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી
અંબાજીઃ બનાસકાંઠામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા યાત્રાળુઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યાત્રિકા માટે કૂલર મુકવામાં આવ્યા છે, ઠંડા પાણી, છાશ, આપવામાં આવી રહી છે. તેમજ પરિસરમાં છાયડો રહે તે માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, અંબાજી મંદિર પરિસરમાં યાત્રિકો માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર પરિસરમાં પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને એર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરે મંદિર ટ્રસ્ટને સુચના આપીને અંબાજી આવતા યાત્રિકોને ગરમીથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. મંદિર પરિસરમાં યાત્રિકોને છાંયડો, ઠંડા પાણી પીવા, છાશની વ્યવસ્થા કરવા સુચના આપી હતી અને જરૂર પડે તો મંદિર સ્ટાફ કે મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે. હાલ ઉનાળાના વેકેશનને લીધે અન્ય રાજ્યોના યાત્રાળુઓ પણ દર્શન માટે આવી રહ્યા છે. યાત્રાળુઓએ પણ ઠંડુ પાણી, છાસ, જમવાનું અને અન્ય સુવિધાઓ માટે તંત્રનો આભાર માન્યો હતો. રાજ્યના આ પ્રસિદ્ધ શક્તિપીઠમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં મંદિર ટ્રસ્ટની આ વ્યવસ્થાઓથી શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી રહી છે.