આરટીઆઈ આયોગના 250 જેટલા અગત્યના ચુકાદા ઓનલાઈન મુકાયા
- ગયા વર્ષે 10 હજાર જેટલા આરટીઆઈના કેસનો નિકાલ કરાયો,
- ગાંધીનગરમાં મુખ્ય માહિતી કમિશનરના હસ્તે ત્રણ લઘુ પુસ્તિકાઓનું અનાવરણ કરાયું,
- ફેસબૂક અને યૂ ટ્યુબ સહિત ડિજિટલ માધ્યમો દ્વારા માહિતી આયોગની કામગીરી નાગરિકો સુધી પહોંચી રહી છેઃ સુભાષ સોની
ગાંધીનગરઃ ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા 10 હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમણે ઉમેર્યું કે, આયોગની વેબસાઈટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના 250 જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી, જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ આયોગ દ્વારા કરવામાં આવેલી સિમાચિન્હરૂપ કામગીરીનો ચિતાર આપતા મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું.
ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીના અધ્યક્ષસ્થાને લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સોની અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલના હસ્તે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ત્રણ લઘુ પુસ્તિકાઓની સુધારેલી આવૃત્તિનું વિમોચન તેમજ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ-AI સોફ્ટવેરના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલ પોડકાસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય માહિતી કમિશનર ડૉ. સોનીએ કહ્યું કે, RTI એક્ટની કામગીરીમાં અરજદારોને સર્વોચ્ચ સુગમતા આપવાના હેતુસર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ત્રણ લઘુપુસ્તિકાઓ તેમજ ઓડિયો પોડકાસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફેસબૂક અને યૂ ટ્યુબ જેવા ડિજિટલ માધ્યમો થકી પણ માહિતી આયોગની કામગીરી અનેક નાગરિકો સુધી પહોંચી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત માહિતી આયોગમાં કોઈ કેસની પેન્ડનસી નથી, તે ખૂબ સરાહનીય કાર્ય છે. આ સિદ્ધિ આયોગની સમગ્ર ટીમ વર્કને આભારી છે. આજે RTI કેસોની ફરિયાદ, અપીલ, ઝડપી નિકાલ, સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ જેવી વિવિધ કામગીરીના પરિણામે અનેક નાગરિકોને તેનો સવિશેષ ફાયદો મળી રહ્યો છે.
આ પ્રસંગે ત્રણ લઘુપુસ્તિકાઓ તથા ઓડિયો પોડકાસ્ટ તૈયાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપનારા આયોગના કાયદા અધિકારી સુશ્રી જાગૃતિબેન પટેલ, નાયબ સચિવ કે.કે.રાવલ અને મુખ્ય માહિતી કમિશનરના અંગત સચિવ ડૉ. નિરવ ઠક્કરને પ્રશંશાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પુસ્તક વિમોચન અવસરે પૂર્વ રાજ્ય માહિતી કમિશનર કિરીટભાઈ અધ્વર્યુ અને રમેશભાઈ કારીયા, પ્રવર્તમાન રાજ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ ઐયર, મનોજભાઇ પટેલ, નિખિલભાઈ ભટ્ટ, વિપુલભાઈ રાવલ, ભરતભાઈ ગણાત્રા, સચિવ જયદીપ દ્વિવેદી સહિત આયોગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.