જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાન શહીદ
- વાહન લપસતા રોડની સાઈડમાં ખીણમાં ખાબક્યું હતું
- અકસ્માતમાં બે જવાનો ગંભીર રીતે ઘાયલ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાં હતા. જ્યારે બે જવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં આજે બપોરના સમયે આ અકસ્માત સર્જાયો હતો. લપસવાને કારણે સેનાની એક ટ્રક પહાડી પરથી નીચે ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર જવાનોના અવસાન થયા હતા. જ્યારે બેને ઈજા થઈ હતી. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. આ દૂર્ઘટના બંદીપોરના સદરફુટ પાઈન વિસ્તારમાં સર્જાયો હતો. જ્યાં સેનાનું વાહન લપસવાને કારણે ખીણમાં ખાબક્યું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને સેનાના અન્ય જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.