સેના માત્ર સરહદોની સુરક્ષા જ નથી કરતી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં પણ અગ્રણી ભૂમિકા ભજવે છે: રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના મહુમાં સેનાના સૈનિકો અને અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું, લક્ષ્ય 2047 સુધીમાં ભારતને એક વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવાનું છે. સેના માત્ર સરહદોની સુરક્ષા જ નથી કરતી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં પણ અગ્રણી ભૂમિકા ભજવે છે. એક તરફ સૈનિકોએ સરહદોની રક્ષા કરવાની છે તો બીજી તરફ મજબૂત અને વિકસિત ભારતનો પાયો નાખવો પડશે. સંરક્ષણ મંત્રીએ સેનાની શિસ્ત અને સમર્પણને સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું.
તેમણે મહુની આર્મી વૉર કૉલેજ, ઇન્ફન્ટ્રી સ્કૂલ અને મિલિટરી કૉલેજ ઑફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગનો ઉલ્લેખ કરતાં સંસ્થાઓના યોગદાનની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહુમાં ડૉ. બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરના જન્મસ્થળની મુલાકાત લઈ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે બાબા સાહેબના યોગદાનને યાદ કર્યું હતું. મહુમાં સંરક્ષણ મંત્રી બે દિવસના રોકાણ દરમિયાન સેનાના વિવિધ એકમોની મુલાકાત લેશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ ઉપસ્થિત રહેશે.