પાકિસ્તાનમાં ઘુસણખોરી કરનાર 16 આતંકવાદીઓને ઠાર મરાયાંનો સેનાએ કર્યો દાવો
પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સાથેની સરહદ પર સતત સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે.
સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મધ્યરાત્રિની આસપાસ સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાનના ગુલામ ખાન કાલ્લે વિસ્તારમાં અફઘાન સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને શોધી કાઢ્યું હતું. સુરક્ષા જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, જેમાં 16 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા સૈનિકોએ અસરકારક રીતે કાર્યવાહી કરી અને તેમના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બંને બાજુથી થયેલા ભીષણ ગોળીબારમાં તમામ 16 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને સતત અફઘાન સરકારને સરહદનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વચગાળાની અફઘાન સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ખાવરિજ (આતંકવાદીઓ) દ્વારા તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે."