બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા- રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ત્રણ હજાર 169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના ચાર માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સેસ-નિયંત્રિત મોકામા-મુંગેર સેક્શનના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 82 કિલોમીટરથી વધુ છે અને કુલ મૂડી ખર્ચ 4 હજાર 447 કરોડ રૂપિયાથી વધુ છે.
મંત્રીમંડળ સમિતિના નિર્ણય અંગે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ કામગીરી લાઇન ક્ષમતા ગતિશીલતામાં સુધારો કરશે, ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં વધારો કરશે.
બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોર બિહારના મોકામા-મુંગેર વિભાગ પર પ્રકાશ પાડતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિભાગ મોકામા, બરહિયા, લખીસરાય, જમાલપુર, મુંગેર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોમાંથી પસાર થાય છે, જે ભાગલપુર સાથે જોડાય છે. તેમણે જણાવ્યું હતું કે 82 કિલોમીટર લાંબા પ્રસ્તાવિત પ્રોજેક્ટથી લગભગ 14 લાખ 83 હજાર માનવદિવસની પ્રત્યક્ષ રોજગારી અને 18 લાખ 46 હજાર માનવદિવસની પરોક્ષ રોજગારીનું સર્જન થશે.