SDRFના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે નાગાલેન્ડને 20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવાની મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે SDRFના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તાના ભાગ રૂપે વર્ષ 2025-26 માટે નાગાલેન્ડને 20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવા માટે SDRF ના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે ₹20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
વર્ષ 2025-26 માં, કેન્દ્ર સરકારે SDRF હેઠળ 27 રાજ્યોને ₹15,554 કરોડ અને NDRF હેઠળ 15 રાજ્યોને ₹2,267.44 કરોડ રૂપિયા પહેલાથી જ રિલીઝ કરી દીધા છે. વધુમાં, રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ (SDMF) માંથી 21 રાજ્યોને ₹4,571.30 કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (NDMF) માંથી 9 રાજ્યોને ₹372.09 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત તમામ રાજ્યોને જરૂરી NDRF ટીમો, ભૂમિદળ અને વાયુસેનાની તૈનાતી સહિત તમામ સહાય પૂરી પાડી છે. આ વર્ષના ચોમાસા દરમિયાન, બચાવ અને રાહત કામગીરી માટે 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહત્તમ 199 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.