સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ઉત્પલ જોષીની નિમણૂંક
- ઉત્પલ જોષી ગુજરાત યુનિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ છે
- સૌરાષ્ટ્ર યુનિને 18માં કાયમી કૂલપતિ મળ્યા
- ઉત્પલ જોષીનો કૂલપતિ તરીકેનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ સુધી રહેશે. ઉત્પલ જોશી શિક્ષણ ક્ષેત્રેનો સારોએવો અનુભવ ધરાવે છે. અને તેમના કાર્યથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાભ મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા સમયથી કૂલપતિની જગ્યા ખાલી હતી. અને કાર્યકારી કૂલપતિની નિમણૂકથી વહિવટ ચલાવવામાં આવતો હતો. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણમાં અનેક વિવાદો સર્જાયા છે. અને એમાં કાર્યકારી કૂલપતિઓનો ભોગ લેવાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ કાર્યકારી કુલપતિ બદલાઈ ગયા અને તેમાં અનેક વિવાદો થયા ત્યારે હવે નવા આવનારા કાયમી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિકલ કઈ રીતે બદલે છે તે જોવું મહત્વપૂર્ણ છે. નવ નિયુક્ત કૂલપતિ ફત્પલ જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનમાં જ ભણેલા છે એટલે કે અહીંથી જ Msc અને Ph.D. 1996માં પૂર્ણ કરેલુ છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી મનોજ વાઘે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના પ્રોફેસર ડૉ. ઉત્પલ શશિકાંત જોષીને રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ બનાવવામાં આવે છે. જેમની ટર્મ 5 વર્ષની રહેશે. જેથી હવે હાલના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા ફરી સિવિલ હોસ્પિટલમાં આંખના તબીબ તરીકે ફરજ બજાવશે. ડૉ. ઉત્પલ જોશીની પ્રોફાઇલ પર નજર કરીએ તો વર્ષ 2002માં તેઓ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર તરીકે પસંદગી પામ્યા હતા. બાદમાં જાપાનની ટોક્યો ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં વર્ષ 2004માં વિઝિટીંગ સાયન્ટીસ્ટ હતા. જ્યારે વર્ષ 2005માં ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર અને બાદમા 2009થી અહીં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના અત્યાર સુધીમાં 44 રિસર્ચ પેપર પબ્લીશ થયા છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ એવોર્ડ મેળવી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે.