ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણુંક
- 41 પ્રમુખો નક્કી કરવા AICC અને PCCના 243 નેતાઓને જવાબદારી સોંપાઈ
- 15મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે
- પાંચ વ્યક્તિઓનું બનેલું પંચ દરેક જિલ્લા મથકે જશે
અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના નવ સર્જન માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશ યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની દિશામાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે AICC અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણંક કરી છે. 43 પ્રમુખો નક્કી કરવા માટે જે ગ્રુપ બનાવવામાં આવશે તેમાં કન્વીનર તરીકે AICCના ઓબ્ઝર્વર રહેશે. જ્યારે તેઓની સાથે PCCના ચાર ઓબ્ઝર્વર રહેશે. ઓબ્ઝર્વરની નિમણૂકો કરાયા બાદ તેઓની પ્રથમ બેઠક 15 એપ્રિલે મોડાસામાં મળશે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લાઓને સશક્ત બનાવવા માટે કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેના અમલીકરણના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું અને નિરિક્ષકોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 15 અને 16 એપ્રિલના રોજ રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જીલ્લામાં ચાર-ચાર નિરીક્ષકો મોકલી શકાય એમના નામોની જાહેરાત થઈ છે. બહારથી ગુજરાતમાં જીલ્લા દીઠ ખૂબ જ સિનિયર આગેવાનો આવશે. આમ, પાંચ વ્યક્તિઓનું બનેલું પંચ દરેક જીલ્લા મથકે જશે અને જીલ્લાના સશક્તિકરણ માટેની વાત છે તે અંગે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે નિયુક્તિ માટે AICC દ્વારા માપદંડ નક્કી થયેલા છે. અને જે આ માપદંડમાં આવતા હોય તેને જ પ્રભારી બનાવવામાં આવ્યા છે. જેમાં PAC કમિટીના સભ્યો, MLA અને Ex-MLA, તથા MP અને Ex-MP, જિલ્લા/મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોંગ્રેસના જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના વર્તમાન નેતા, જીપીસીસી ફ્રન્ટલ અને SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા તેમજ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.