સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં જીકાસ પોર્ટલ પર હવે 21મી મે સુધી અરજી કરી શકાશે
- બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- સરકારી યુનિવર્સિટીઓ. સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશ મળશે
- જીકાસ પોર્ટલ સાથે સંકળાયેલા કૂલપતિઓની બેઠક મળી
અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આમ તો પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18મી મે નક્કી કરવામાં આવી હતી પણ પ્રવેશ સમિતિએ અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 21 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અત્યાર સુધીમાં બે લાખથી વધુ પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે.
રાજ્યમાં ધોરણ 12ના પરિણામ જાહેર થયા બાદ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 25-03-2025થી શરૂ કરવામાં આવી છે તથા સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા તથા ઓનલાઈન અરજીના વેરીફીકેશનની તા.9-5-2025ને શુક્રવારથી શરૂ થઇ ગયેલ છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ તા.19-5-2025ના રોજ વિદ્યાર્થીઓને મળવાની હોવાથી તથા અસલ માર્કશીટ વિના વેરીફીકેશન નહિ થઈ શકે એવી વિદ્યાર્થીઓ-કોલેજની ગેરસમજને ધ્યાને રાખતાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા પ્રવેશના પ્રથમ તબક્કામાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા તા. 21-05-2025ને બુધવાર સુધી લંબાવવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી અને વેરીફીકેશનમાં વિદ્યાર્થીઓ-વાલીઓને કોઈ પ્રશ્નો ન ઉદ્ભવે તથા પ્રવેશ પ્રક્રિયા સુચારુરૂપે થઈ શકે તે માટે શિક્ષણમંત્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) દ્વારા તા. 15-05-2025ના રોજ GCAS પોર્ટલ સાથે સંકળાયેલા યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક કરીને તેમને સમીક્ષા કરી હતી. GCAS પોર્ટલ મારફત કોઈ ટેકનિકલ મુશ્કેલી હોય તે તેઓ GCAS હેલ્પલાઇન +91-79-22880080 ઉપરાંત, GCAS ટેકનિકલ હેલ્પલાઈન +91-79-22880081 શરૂ કરવામાં આવેલ છે. તા. 16-05-2025 સુધીમાં કુલ 2,08,981 વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ 1,22,619 વિદ્યાર્થીઓએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જયારે કુલ 1,17,999 વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની કાર્યવાહી માટે યુનિવર્સિટી-કોલેજો દ્વારા 1000 જેટલા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરીફીકેશન સેન્ટર કાર્યરત છે. જેનો 50 હજાર વિદ્યાર્થીઓ-વાલીઓએ લાભ લીધેલ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફત GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું માર્ગદર્શન મળી રહે તે માટે GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ(gcas_official), યુટ્યુબ ચેનલ(gcas_official), X(Twitter) તથા લિંક્ડઈન એકાઉન્ટ્સ પણ શરૂ કરવામાં આવેલ છે. જેના પર ક્વિક રજિસ્ટ્રેશન અને સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા દર્શાવતાં વિડીયો પણ મૂકવામાં આવેલ છે. હાલ સુધીમાં 5,37,000થી વધુ લોકોએ GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલની મુલાકાત લીધી છે.