પાકિસ્તાનના ભાગનું પાણી રોકવાનો પ્રયાસ કરાશે તો તેને યુદ્ધની કાર્યવાહી ગણાશે, પાકિસ્તાને ભારતને આપી ગર્ભીત ધમકી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે. ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ, પાકિસ્તાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક યોજી હતી. આ બેઠક શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખો, મહત્વપૂર્ણ મંત્રીઓ, ટોચના નાગરિક અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જો ભારત પાકિસ્તાનના ભાગનું પાણી રોકવાનો અથવા વાળવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે.
- પાકિસ્તાનની સુરક્ષા પરિષદમાં લેવાયેલા નિર્ણયો
શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. NSC ની બેઠક બાદ પાકિસ્તાને કહ્યું કે, પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ ખતરોનો તમામ ક્ષેત્રોમાં કડક જવાબ આપવામાં આવશે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને નકારતા કહ્યું કે, તે 24 કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે. જો ભારત પાણી રોકે છે, તો તે યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે. પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયોગમાં સ્થિત લશ્કરી સલાહકારોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવા જણાવ્યું છે. પાકિસ્તાનીઓએ તેમના વિઝા સમાપ્ત થાય તે પહેલાં ભારત છોડી દેવું જોઈએ, 29 એપ્રિલથી મેડિકલ વિઝા પણ માન્ય નથી
અગાઉ, પાકિસ્તાની અખબાર 'ડોન' એ અહેવાલ આપ્યો હતો કે નાયબ વડા પ્રધાન ઇશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના અભિગમની ટીકા કરી હતી અને તેને અપરિપક્વ અને ઉતાવળિયું ગણાવ્યું હતું. ડારે કહ્યું કે ભારતે કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે પોતાના પ્રતિભાવમાં કોઈ પરિપક્વતા દર્શાવી નથી. આ એક બિન-ગંભીર અભિગમ છે.