કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠને ધમકી આપીને અસામાજીક તત્વોએ રૂ. 50 લાખની ખંડણી માંગી
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીકતત્વોએ તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી પણ મેસેજમાં માગી હોવાનું ચર્ચાય રહ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જે મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠે કહ્યું કે મેં આ અંગે પોલીસને જાણ કરી છે. હું સતત લોકો સાથે વાત કરું છું. પીએમ મોદી હંમેશા અમને જનતાની સેવા માટે અથાક કામ કરવા માટે પ્રેરણા આપે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે મને ખંડણી અંગેનો સંદેશ મળ્યો હતો અને મેં ઝારખંડના ડીજીપીને તેની જાણ કરી છે.
કેન્દ્રની મોદી સરકારમાં રક્ષા રાજ્ય મંત્રી અને રાંચી લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંજય સેઠ તરફથી ધમકીઓનો મામલો સામે આવ્યો છે. આને લગતી FIR દિલ્હીમાં દાખલ કરવામાં આવી છે. ધમકીમાં, સાંસદને મોબાઈલ મેસેજ (એસએમએસ) દ્વારા 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે. જો તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. સંદેશમાં લાલ સલામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે સંરક્ષણ રાજ્ય મંત્રીને તેમના મોબાઈલ પર ધમકી આપવામાં આવી હતી. અજાણ્યા નંબર પરથી મેસેજ મોકલાયો. આ પછી તેણે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી અને ઝારખંડના ડીજીપીને પણ જાણ કરી.