મહાકુંભ મેળાને લઈને વધુ એક મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં મહાકુંભની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન મહાકુંભને લઈને વધુ એક ધમકી મળ્યાનું જાણવા મળે છે. મહાકુંભને લઈને ધમકી ભર્યો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં ધમકી આપવા ઉપરાંત હિન્દુ ધર્મને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આ પોસ્ટ કોણે કરી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પણ અગાઉ મહાકુંભને લઈને ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ બાદ મહા કુંભને લઈને વધુ એક ધમકી આપવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર આપવામાં આવેલી ધમકીનો સ્ક્રીનશોટ ઈન્ટરનેટ મીડિયા પર ફરતો થયો છે. મામલાને ગંભીરતાથી લઈને મહાકુંભ પોલીસ અને સાયબર પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓને ટ્રેસ કર્યા બાદ કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ મીડિયા પર એક સ્ક્રીન શૉટ ફરતો થયો હતો. સ્ક્રીન શૉટના આધારે ઇન્સ્ટાગ્રામ પર નાસર પઠાણ નામનું એકાઉન્ટ હોવાનું કહેવાય છે. જેમાં હિંદુઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને મહાકુંભને લઈને ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે આ સ્ક્રીન શૉટ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે તેની ગંભીર નોંધ લેઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધમકીભર્યો મેસેજ ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટ જેવા જ નામના અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર પોલીસ પણ ઈન્સ્ટાગ્રામ પર બનાવેલ આઈડીને લઈને તેના સ્તરે તપાસમાં લાગેલી છે.