પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સેનાના 10 જવાનોના મૃત્યુ
લાહોરઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ બની રહી છે. દરમિયાન આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાનોના મોત થયાં છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આર્મી ચેકપોસ્ટ પાસે પોતાના જ વાહનને વિસ્ફોટકોથી ઉડાવી દીધું હતું. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના 8 જવાનો શહીદ થયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદ પર સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નૂમાં આર્મી ચેકપોસ્ટ નજીક એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલા વાહનની મદદથી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 10 સૈનિકો માર્યા ગયા હતા. આત્મઘાતી હુમલા બાદ અન્ય આતંકવાદીઓએ પણ પાકિસ્તાની ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં અન્ય સાત લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આત્મઘાતી વિસ્ફોટને કારણે માલી ખેલ ચોકી તેમજ અનેક સૈન્ય વાહનોને ભારે નુકસાન થયું છે. હાફિઝ ગુલ બહાદુર સશસ્ત્ર જૂથે હુમલાની જવાબદારી લીધી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વધુ એક આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના 8 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે કેટલાક કલાકો સુધી ગોળીબાર થયો હતો, જેમાં 9 આતંકવાદીઓ અને સેનાના 8 જવાનો માર્યા ગયા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી હતી.
TTPએ કહ્યું કે આ હુમલો સૈન્ય દ્વારા તેના લડવૈયાઓને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સોમવારે આતંકવાદીઓએ બન્નુ ચેકપોઈન્ટ પાસે સાત પોલીસકર્મીઓને બંધક બનાવી લીધા હતા. જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.