ભારત-ઈઝરાયલની મિત્રતાનો વધુ એક પુરાવો મળ્યો, PM મોદી સાથે ફોન ઉપર વાત કરવા નેતન્યાહૂએ બેઠક અટકાવી
નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના દિવસે ગાઝામાં થયેલા યુદ્ધવિરામ માટે ઇઝરાઇલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂને ટેલિફોન પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીના ફોન માટે નેતન્યાહૂએ પોતાની સિક્યુરિટી કેબિનેટની બેઠક થોડા સમય માટે રોકી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજના અને બંધકોની મુક્તિના સમજોટા પર નેતન્યાહૂને અભિનંદન આપ્યાં હતા.
ઇઝરાયલી પીએમઓએ નિવેદનમાં જણાવ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે નેતન્યાહૂ હંમેશા તેમના નજીકના મિત્ર રહ્યા છે અને આ મૈત્રી ભવિષ્યમાં પણ મજબૂત રહેશે. નેતન્યાહૂએ પણ ભારતના સમર્થન માટે પીએમ મોદીને ધન્યવાદ આપ્યા અને બંને નેતાઓએ સંયુક્ત સહયોગ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મિડિયા પર લખ્યું કે, “મેં પુનરાવૃત્તિ કરી કે આતંકવાદ ક્યાંય અને કોઈપણ સ્વરૂપે અસ્વીકાર્ય છે. અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાયતા વધારવાના સમજોટાને આવકારીએ છીએ.”
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાત કરી અને ગાઝા શાંતિ સમજૂતાના પહેલા તબક્કાની સફળતા માટે તેમને અભિનંદન આપ્યા હતા. આ ત્રણ અઠવાડિયામાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે બીજી ટેલિફોન વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ ઇતિહાસિક શાંતિ યોજના આગળ વધારવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 1200થી વધારે વ્યક્તિઓના મોત થયાં હતા. આ હુમલા બાદ ઈઝરાયલ દ્વારા ગાઝામાં સૈન્ય કાર્યવાહી કરી હતી. હમાસને ખત્મ કરવા માટે ઈઝરાયલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.