ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
- વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી,
- માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો,
- નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે
ચોટીલાઃ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો નિહાળી હર્ષની લાગણી અનુભવી હતી. આખા વર્ષ દરમિયાન દૂર-દૂરથી માઈભક્તો દર્શન માટે આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે.
ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં નવરાત્રીના પર્વને લીધે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવ દિવસ સુધી માતાજીને રોજ અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવશે. ભક્તો માતાજીના જુદા-જુદા સ્વરૂપોના દર્શન કરી શકશે.
રાજ્ય અને રાજ્ય બહારથી હજારો માઈભક્તો સવારની મંગળા આરતીમાં જોડાય છે. શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાના પરિવારની રક્ષા માટે આશીર્વાદ મેળવે છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના અને મંત્રજાપનું વિશેષ મહત્વ છે. લોકો પોતાના કુળદેવીનું સ્મરણ કરી, દિવસમાંથી થોડો સમય કાઢીને માતાજીની સ્તુતિ અને આરાધના કરે છે.