મોંઘવારીનો વધુ એક માર, સીએનજીની કિંમતમાં રૂ. એકથી 3 સુધીનો વધારો
નવી દિલ્હીઃ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGL એ CNG ના ભાવ એકથી ત્રણ રૂપિયાનો વધારો કર્યા છે. દિલ્હીમાં, સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે અન્ય સ્થળોએ તેમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જૂન 2024 પછી પહેલી વાર CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. IGL દિલ્હીમાં તેના ગેસનો લગભગ 70 ટકા હિસ્સો વેચે છે, જ્યારે બાકીનો 30 ટકા હિસ્સો અન્ય કંપનીઓનો છે.
સીએનજીના ભાવમાં આ વધારા બાદ હવે દિલ્હીમાં સીએનજીનો ભાવ વધીને રૂ. 76.09 થયો છે અને નોઈડા-ગાઝિયાબાદમાં સીએનજી 84.70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. નવેમ્બર 2024 માં, IGL એ દિલ્હીમાં CNG ના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. બ્રોકરેજ ફર્મ જેફરીઝે ફેબ્રુઆરીમાં IGL પરની તેની નોંધમાં કહ્યું હતું કે તેની વર્તમાન નફાકારકતા જાળવી રાખવા માટે 2 રૂપિયાનો ભાવ વધારો પૂરતો હશે.
સરકારે APM (એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ) હેઠળ ગેસના ભાવમાં 4%નો વધારો કર્યા પછી ગેસના ભાવમાં આ સુધારો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ વધેલા ભાવ પછી IGL અને MGL શેરની પ્રતિક્રિયા શું રહેશે. શુક્રવારે બંધ થયેલા બજારમાં, IGL માં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે MGL માં 33 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા માટે APM ગેસના ભાવ $6.75 પ્રતિ MMBTU પર સ્થિર રહ્યા. એપ્રિલ 2023 પછી CNG ગેસના ભાવમાં આ પહેલો વધારો છે. કિરીટ પરીખ પેનલ દ્વારા કરવામાં આવેલી ભલામણો અનુસાર આ વધારો કરવામાં આવ્યો છે.