ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં વિવિધ કચેરીઓ માટે વધુ એક બ્લોક બનાવાશે
- ટીપીકલ સરકારી બિલ્ડિંગના સ્થાને નવી અદ્યાત્તન કચેરીઓ બનાવાશે,
- બ્લોક બન્યા બાદ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કચેરીઓને ફાળવાશે,
- નવા બિલ્ડિંગમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી તેમજ બોર્ડ નિગમોની કચેરીઓ આવેલી છે. જેમાં ઘણીબધી સરકારી કચેરીઓના મકાનો વર્ષો જુના હોવાથી નવા બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા જૂના અને ટીપીકલ સરકારી બિલ્ડિંગના સ્થાને નવી અદ્યતન કચેરીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ સચિવાલયની સામે કર્મયોગી ભવનમાં વધુ એક બ્લોક 83 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નવા બિલ્ડિંગમાં કાર્યરત કચેરીઓને અદ્યતન માળખાકીય સુવિધાઓ મળી રહે તે મુજબનું આયોજન થઇ રહ્યું છે. કર્મયોગી ભવનમાં કુલ ચાર બ્લોક તૈયાર થશે.
પાટનગર ગાંધીનગરમાં સચિવાલય અને જૂના સચિવાલય ઉપરાંત પણ વિવિધ સરકારી કચેરીઓ અને ખાતાના વડાની કચેરીઓ માટે ઓફિસની જરૂરિયાત ઉપસ્થિત થતાં કર્મયોગી ભવન બનાવવામાં આવ્યું હતું. જેમાં તબક્કાવાર બ્લોક તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવા સચિવાલયમાં તમામ વિભાગોના સચિવો અને મુખ્ય કચેરીઓ અને જૂના સચિવાલયમાં ખાતાના વડાઓની કચેરીઓ આવેલી છે. બોર્ડ- નિગમોની ઓફિસ માટે ઉદ્યોગ ભવન બનાવવામાં આવ્યું છે. જ્યારે મોટા બોર્ડ નિગમોને અલગથી જમીન ફાળવી તેમના અલાયદા બિલ્ડીંગ ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાની કચેરીઓ માટે બહુમાળી ભવન અને સહયોગ સંકુલ ઉભા કરાયા છે. જ્યારે અન્ય રાજ્યકક્ષાની કચેરીઓને કર્મયોગી ભવનમાં જગ્યા આપવામાં આવી છે. એકતરફ જૂના સચિવાલયના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે બીજીતરફ કર્મયોગી ભવનના વિસ્તૃતિકરણનું પણ આયોજન થઇ રહ્યું છે. માર્ગ અન મકાન વિભાગ દ્વારા અત્યારસુધીમાં કર્મયોગી ભવનના ત્રણ બ્લોક બનાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળના આ બિલ્ડિંગમાં વિવિધ વિભાગની કચેરીઓ કાર્યરત છે. જોકે, કર્મયોગી ભવનના એક બ્લોકમાં એક માળની બે વિંગ હજુ ખાલી રાખવામાં આવી છે. અહીં હવે 7 માળનો વધુ એક બ્લોક બનાવવામાં આવશે. જેને મંજૂરી મળતાં ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ બ્લોક તૈયાર થઇ ગયા બાદ તેમાં કઇ કચેરીઓને જગ્યા ફાળવવી તેનો નિર્ણય સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા જૂના અને ટીપીકલ સરકારી બિલ્ડિંગના સ્થાને નવી અદ્યતન કચેરીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ સચિવાલયની સામે કર્મયોગી ભવનમાં વધુ એક બ્લોક 83 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. અહીં આવનાર કચેરીઓને અદ્યતન માળખાકીય સુવિધાઓ મળી રહે તે મુજબનું આયોજન થઇ રહ્યું છે.