કેનેડાનો વધુ એક મોટો નિર્ણય: પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી
છેલ્લા એક વર્ષથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. જે બાદ કેનેડા દ્વારા એક પછી એક ભારત વિરોધી નિર્ણયો લેવાતા હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યાં નવી એક જાહેરાત કેનેડાની ટ્રુડો સરકારે કરતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓમાં કાપ પછી આ બીજી મોટી જાહેરાત કરી છે જે ભારતના હિતમાં નથી. કેનેડાએ હાલના કેસોના બેકલોગનો ઝડપથી નિકાલ આવે તેના પર ભાર મુકયો છે. ત્યારે હવે તેણે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું ટેમ્પરરી રૂપે અટકાવી દીધું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ નિર્દેશ જાહેર કર્યો છે.
કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલા નિર્દેશ મુજબ, ફેમિલી રી-યુનિયન માટે કેનેડા સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ ગયા વર્ષે સબ્મિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે. મિલરે નોંધ્યું હતું કે આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યો સાથે મેળ ખાય છે. તેમના જણાવ્યા અનુસાર ઈમિગ્રેશન કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશન સ્ટ્રીમ્સમાં નવી સ્પોન્સરશિપને અટકાવી છે. સરકાર આ વર્ષે ફેમિલી રી-યુનિયન પ્રોગ્રામથી સબ્મિટ કરવામાં આવેલી ,માત્ર 15,000 અરજીઓનો જ સ્વીકાર કરશે.
પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ, 20,500 અરજી સ્વીકારવાના ટાર્ગેટ સાથે, 2024માં 35,700 રેન્ડમલી પસંદ કરાયેલા લોકોને અરજીઓ સબ્મિટ કરવા માટે આમંત્રિત કર્યા હતા. મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન પર સંસદમાં 2024ના એન્યુઅલ રિપોર્ટ મુજબ, 2023ના અંત સુધીમાં 40,000થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2025 માં કેનેડા સરકાર હજુ કેટલાક કડક નિયંત્રણો લાવી શકે છે.
આગામી 20 તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇ રહ્યા છે જેણે લઈને પહેલેથી જ અમેરિકામાં વસતા અને ખાસ તો ગેરકાયદે વસતા ભારતીયો ચિંતિત છે ત્યાં હવે કેનેડા પણ વધુને વધુ કડક પગલા ભરી રહ્યું છે. અગય LMIA એટલે કે લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ પ્રોગ્રામ પણ બંધ કરી દીધો છે જેણે કારણે વિઝીટ વિસા લઈને ત્યાં જોબ શોધવું પણ હવે શક્ય નથી. ભારતથી ત્યાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સ્ટુડેંટ વિઝા પરનાં કડક નિયંત્રણો ને કારણે 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જેનો ફટકો પણ ત્યાની કોલેજો અને યુનીવર્સીટીઓ ને પડી રહ્યો છે. તો બીજી બાજુ અનેક કોલેજોને વિદ્યાર્થી નહિ મળવાથી તાળા વાગી ચુક્યા છે. ત્યારે વર્ષ 2025 માં પી આર એટલે કે પરમેનેન્ટ રેસીડેન્સ વિઝાનો લક્ષ્ય જે 5 લાખનો હતો તે ઘટાડીને 3,95,૦૦૦ કરી શકે છે.
કેનેડા સરકારનું કહેવું છે કે શોર્ટ ટર્મ માટે આવતા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થતા ઘર ખર્ચ, રૂમ ભાડા, ગ્રોસરી ખર્ચમાં ખુબ મોટી ભાવવધારો જોવા મળ્યો હતો. જેને કાબુમાં લેવા આવા પગલા લેવામાં આવ્યા છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૬ માં પી આર ની સંખ્યામાં ઘટાડો કરવાનું સરકારનું આયોજન છે. નવા કેટલાક મોટા ફેરફાર ત્રુડો સરકાર કરી શકે જેમ કે કેનેડા માસ્ટર ડીગ્રી માટે જતા વિદ્યાર્થી તેના લાઇફ પાર્ટનર ને ત્યારે જ બોલાવી શકે જયારે તેણે 16 મહિના કે તેનાથી વધારે સમયનો કોર્સ પસંદ કર્યો હોય. તેવી જ રીતે જો કોઈ વિદેશી કર્મચારી કેનેડામાં કામ કરતા હોય અને તેમના લાઇફ પાર્ટનરને બોલાવવા હોય તો તે ત્યારે જ બોલાવી શકે જયારે તે ત્યાં હાઈ સ્કીલ્ડની કેટેગરીમાં આવતા હોય. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2025 નો પ્રારંભ થઇ ચુક્યો છે અને વર્ષના અંતમાં કેનેડામાં સંસદની ચૂંટણી યોજાવાની છે ત્યારે ટ્રુડો કોઈ નવો દાવ રમે તો નવાઈ નહિ.