રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા લેવાતી દરકાર
• પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-દીપડા માટે નાઈટ શેલ્ટર ઊભા કરાયા
• ચિત્તલ, કાળીયાર,સાબર અને હોગ ડિયર માટે સુકાઘાસની પથારીની વ્યવસ્થા
• ઠંડીને લીધે પ્રાણીઓના ખોરાકમાં વધારો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધતું જાય છે. લોકો તો ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે પશુ-પંખીઓ અને પ્રાણીઓની હાલત ઠંડીમાં કફોડી બનતી હોય છે. ત્યારે રાજકોટના પ્રધ્યુમન પ્રાણી સંગ્રહાલય પાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર સહિત તૃણાહારી પ્રાણીઓને સૂકા ઘાસની પથારી અને કંતાન વગેરેની હૂંફ આપવામાં આવી રહી છે.
રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ અધિકારીના કહેવા મુજબ સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટર ઊભા કરવામાં આવ્યા છે. તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવી છે. જેથી ઠંડા પવનને રોકી શકાય. એ જ રીતે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાજરામાં સૂકા ઘાસની પથારી પાથરવામાં આવી છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સંતુલીત કરવા માટલાની બહારના ભાગે વિટાઇ જાય છે.
આ ઉપરાંત માર્શ મગર અને ઘડિયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઊંડા પાણીના પોન્ડ હોય ત્યાં રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સંમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. તેમજ તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવ્યા છે. અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યા છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે. અને બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવ્યા છે. જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરા ફરતે ગ્રીન મેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાથરવામાં આવ્યું છે.
જ્યારે પક્ષીઓ માટેની વ્યવસ્થા અંગે કહ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દીપડા તેમજ તમામ પ્રજાતીના નાના-મોટા માંસાહારી પ્રાણીઓનો ખોરક વધી જતા આ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓનાં ખોરાકમાં પણ વધારો થતા લીલોચારો આપવામાં આવે છે. જોકે, મગર, ઘડિયાલ, સાપ વગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો થતો હોય છે.