લીલો ઘાસચારો અને ખાણ-ખોળના ભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા
- સુરેન્દ્રનગરમાં લીલા ઘાસને ભાવ 20 કિલોના રૂપિયા 150એ પહોંચ્યો,
- ખાણ-ખોળમાં પણ રૂપિયા 200થી વધુનો વધારો,
- પશુઓ માટે કેટલ કેમ્પો ખાલીને પશુપાલકોને સહાય આપવા માગ ઊઠી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની જેમ પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. હાલ લીલા ઘાસચારા અને ખાણ-ખોળના ભાવમાં વધારો થયો છે. લીલા ઘાસના પહેલા એક મણના રૂ. 110 ભાવ હતો. અત્યારે 140થી 150 થઇ ગયા છે, જ્યારે ખાણ ખોળમાં સીધા 200 રૂપિયાથી વધુ ભાવ વધારો જોવા મળે છે. ઝાલાવાડમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી (માવઠું) વરસાદ લીલો દુષ્કાળ વરસી રહ્યો છે. ત્યારે પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાને લીધે વગડામાં પણ પશુઓ ચરી શકતા નથી. લીલાઘાસ ચારાના પણ ભાવ વધી ગયા છે. વરસાદ પહેલા એક મણના રૂ. 110 ભાવ હતો અત્યારે 140થી 150 થઇ ગયા છે. ખાણ ખોળમાં સીધા 200 રૂપિયાથી વધુ ભાવ વધારો કરી નાંખેલો છે. ત્યારે પશુપાલકો અને ખેડૂતો માલધારીઓને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેવી માગ ઊઠી છે. આ અંગે માલધારી આગેવાન ભરવાડ મૂળજીભાઈ, સતીશભાઈ ગમારા વગેરેએ જણાવ્યું કે ગુજરાતમાં 30 વર્ષ પહેલાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ જાહેર થતા હતા. ત્યારે આજે ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવેલી છે ત્યારથી કેટલ કેમ્પ એક ઇતિહાસ બની ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર અનેક વિસ્તારોમાં અસરગ્રસ્ત જાહેર કરે છે પણ એ કાગળ ઉપર રહ્યો છે, ત્યારે આજે ફરી ગુજરાત ભાજપ સરકારને વિનંતી છે કે આવા કમોસમી માવઠાથી પશુપાલકો અને ખેડૂતો માલધારીઓને સહાય માટે કેટલ કેમ્પ ખોલવામાં આવે અથવા આર્થિક સહાય મદદરૂપ થાય તો પશુપાલકો અને ખેડૂતો માલધારીઓનું ગુજરાન ચલાવી શકે.