પાલનપુરના લક્ષ્મીપુરામાં રેલવે ફાટક પર 67.55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાશે
- રેલવે ફાટક પર બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજુરી
- સાંસદ ગનીબેન ઠાકોરે ઓવરબ્રિજ બનાવવા રજુઆત કરી હતી
- જમીન સંપાદન માટે વળતર અપાશે
પાલનપુરઃ ગુજરાતમાં તમામ રેલવે ક્રોસિંગ ફાટકમુક્ત કરવા સરકારે જાહેરાત કરી છે, ત્યારે પાલનપુરમાં લક્ષ્મીપુરામાં અંબિકાનગર પાસે રેલવે ફાટકને લીધે આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી, ત્યારે આ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી, અંતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બવાવવાને મંજુરી આપી દેવામાં આવી છે. આવરબ્રિજ બનાવવામાં જેમના મકાનો જાય છે તેમને વળતર મળશે
પાલનપુરના લક્ષ્મીપુરા મીની અંબિકાનગર નજીકના રેલવે ફાટક નં. 167 પર ઓવરબ્રિજ બનાવવા માટે ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી આંદોલન કરી રહ્યા હતા. આ વિસ્તારના લોકો તેમજ સાંસદ ગનીબેન ઠાકોરની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ મંગળવારે રૂપિયા 67.55 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી છે. બીજી તરફ વળતર આપવા માટેની તૈયારી પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.
પાલનપુરમાં જ આવેલા અલગ ગ્રામ પંચાયત ધરાવતાં લક્ષ્મીપુરા ગામના મીની અંબિકા નગર નજીક રેલવે લાઇન ઉપર આવેલું ફાટક નં. 167 ચાર વર્ષ અગાઉ કાયમી માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેથી ગ્રામજનોને ગોબરી તળાવ ઓવર બ્રીજ ઉપર થઇને અથવા જીવના જોખમે ટ્રેક ઓળંગીને પાલનપુર આવવું પડતું હતુ. જ્યાં પુલ બનાવવા માટે ગ્રામજનો દ્વારા સમાયંતરે આંદોલન, રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન બે દિવસ અગાઉ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે રૂબરૂ મુલાકાત લઇને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અહીંયા રૂપિયા 67.55 કરોડના ખર્ચે 18 પિલ્લર ઉપર પુલ બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપી હતી. કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે લક્ષ્મીપુરા બ્રિજને લઈ સંપાદન કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને હવે વળતર ચૂકવવાની કામગીરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીએફસી કોરિડોરના લીધે લક્ષ્મીપુરા ફાટક બંધ કરાતા 2018માં બ્રિજની 18 પિલ્લર પરની ડિઝાઇન મંજૂર થઈ હતી. અને ટેન્ડરિંગ પણ થઈ ગયું. પરંતુ અનેક મકાનો સંપાદિત કરવા પડે તેવી સ્થિતિ થતા ડિઝાઇન બદલવાના મુદ્દે આખો મામલો પેચીદો બની ગયો હતો. જે બાદ કાયમી ધોરણે 2022માં લક્ષ્મીપુરા ફાટક બંધ કરવામાં આવ્યુ હતું જે બાદ તેની પર બ્રિજ બનાવવા માટે 21 નવેમ્બર 2024 ના રોજ નેશનલ હાઈવે સ્ટેટ ઇડર ઓફિસ દ્વારા રાજ્ય સરકારમાં જૂની ડિઝાઈન મુજબ જ બ્રિજ બનાવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. જે મંજૂરીને લઈ રાજકીય નેતાઓ દ્વારા સરકાર પર પ્રેશર લાવવામાં આવ્યું અને બ્રિજને હાલ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હવે ટૂંક સમયમાં તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે.