સુરત શહેરમાં ત્રણ લાખથી વધુ રેશનકાર્ડ શંકાસ્પદ હોવાથી તપાસનો આદેશ કરાયો
- ઈન્કમ ટેક્સ ભરતા શ્રીમંત લોકોના નામે પણ રેશનકાર્ડ,
- પુરવઠા અધિકારીને ડેટા સોંપી તપાસ કરવા કેન્દ્રએ પત્ર લખ્યો,
- આવક વધુ હોવા છતાં રાશન લેતાં હશે તેમનાં નામ બાકાત કરાશે
સુરતઃ ગુજરાતમાં મહાનગરો. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સાધન-સંપન્નરીતે સુખી અને શ્રીમંત ગણાતા લોકોના નામે પણ રેશનકાર્ડ છે. આવા પરિવારો રેશનનું અનાજ ન લેતા હોવા છતાં તેમના નામે ફાળવાતો રેશનનો જથ્થો કાળા બજારમાં પગ કરી જતો હોય છે. ત્યારે સુરત શહેરમાં પણ ગર્ભ શ્રીમંત ગણાતા લોકોના નામે પણ રેશનકાર્ડ હોવાની ફરિયાદો ઊઠી હતી. ગણા લોકો ઈન્કમટેક્સ ભરતા હોવા છતાં કે જીએસટી ફાઈલ કરનારા નામે પણ રેશનકાર્ડ છે. એટલે કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં નામ ધરાવતા 3 લાખ શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા જિલ્લા પુરવઠા અધિકારીને સોંપીને તેમનું વેરિફિકેશન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
રાશન કાર્ડ ધરાવતા હોય અને આર્થિક રીતે સદ્ધર હોવા છતાં દેશમાં મોટા પ્રમાણમાં સસ્તુ કે ફ્રીનું રાશન લેવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠતા આવા લોકોનું રાશન બંધ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે, જેના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લાના 3 લાખ શંકાસ્પદ લોકોનો ડેટા સોંપવામાં આવ્યો છે, જેમાં આ લોકો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં રાશન કાર્ડને લગતા તમામ લાભો લઈ રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરીને વેરિફિકેશન કરવામાં આવશે. આ વેરિફિકેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યાર બાદ શંકાસ્પદ લોકોમાંથી જેટલા લોકો આર્થિક રીતે સદ્ધર જણાશે તેમનાં નામ રાશન કાર્ડમાંથી બાકાત કરી દેવામાં આવશે.
સુર શહેરમાં અનેક શ્રીમંત લોકોના નામે રેશન કાર્ડ હોવાનું કહેવાય છે. આથી જિલ્લા પુરવઠા અધિકારીને શહેર અને જિલ્લાના 3 લાખ શંકાસ્પદ લોકોનો ડેટા સોંપવામાં આવ્યો છે, અને તેની તપાસ ચાલી રહી છે. જેમના નામે જીએસટી નંબર, મોટો ટેક્સ ભરતાં હોય, વધારે પ્રમાણમાં જમીન હોય અને રાશનકાર્ડ લેતાં હોય તે પ્રકારના 12થી 13 ક્રાઈટેરિયાનું લિસ્ટ નક્કી કરવામાં આવ્યું છે. તેના આધારે શંકાસ્પદ લોકોનું રાશનકાર્ડ વેરિફિકેશન કરવામાં આવશે. જેઓ આ ક્રાઈટ એરિયામાં આવતા હશે તેમનું રાશન બંધ કરવામાં આવશે.