રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના રૂપિયા 3118 કરોડના બજેટમાં 150 કરોડનો વધારો ફગાવાયો
- મ્યુનિ.કમિશનરે રજુ કરેલા બજેટને સુધા-વધારા સાથે સ્ટે.કમિટીએ કર્યુ મંજુર
- બજેટમાં 6 કરોડનો વધારો કરીને નવી 20 યોજના ઉમેરાઈ
- ફાયરટેક્સને પણ મંજુરી ન મળી
રાજકોટઃ શહેરના મ્યુનિ. કમિશનરે રજુ કરેલા વર્ષ 2025-26ના રૂ. 3118.28 કરોડના બજેટને સુધારા-વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. મ્યુનિ. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે તેમજ બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મ્યુનિ. કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ તેને પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે. આ ઉપરાંત શહેરના નાગરિકો પાસેથી ફાયર ટેક્સ વસુલવાનું પણ સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
શહેરમાં વાહનોની સંખ્યા રોજબરોજ વધતી જાય છે. તેથી જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કર્યુ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપ્લીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.