ગાંધીનગર વિધાનસભા સંકુલમાં દારૂ પીધેલ હાલતમાં પકડાયેલા કર્મચારીને 3 માસની કેદ
- 4 વર્ષ પહેલા કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો,
- સેકટર-7 પોલીસે ગુનો નોંધીને ચાર્જશીટ કરી હતી,
- આરોપીનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સંકુલના પાર્કિંગમાં ચાર વર્ષ પહેલા એક કર્મચારી દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો. સેકટર-7 પોલીસે ગુનો નોંધીને આરોપી કર્મચારીના બ્લડ સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા હતા. અને એનો રિપોર્ટ પોઝિટિવ આપતા ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. તેનો કેસ ચાલી જતાં કોર્ટે આરોપી કર્મચારીને ત્રણ મહિનાની જેલની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુજરાત વિધાનસભાના સામાન્ય વિભાગમાં ઝેરોક્ષ ઓપરેટર તરીકે નોકરી કરતો મહેન્દ્ર સદાશિવ બ્રાહ્મણ (રહે. ચીલોડા) નામનો કર્મચારી ચાર વર્ષ અગાઉ વિધાનસભા સંકુલનાં પાર્કિંગમાં દારૂ પીધેલ હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જે કેસ ગાંધીનગરનાં સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદ અને 1 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2021 માં ગાંધીનગર વિધાનસભા સંકુલનાં પાર્કિંગમાંથી મહેન્દ્ર સદાશિવ બ્રાહ્મણ (રહે. ચીલોડા) દારૂ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં મહેન્દ્ર વિધાનસભાના સામાન્ય વિભાગમાં ઝેરોક્ષ ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તેનું બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ મામલે પોલીસે જરૂરી તપાસના અંતે ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એકતા કંવર ચંદ્રાવત સમક્ષ ચાલી જતાં સરકાર તરફે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એચ.પી. ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત હતી કે, આરોપીએ કરેલા કૃત્ય બદલ સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા આપવી જોઈએ. જેના પગલે સાતમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટટે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ મહિના ની કેદ અને 1 એક હજાર દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.