અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત
- મહેસાણા તરફથી આવતી કારે ડિવાઈડર તોડીને સામેથી આવતી કાર સાથે અથડાઈ
- અકસ્માતમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા
- અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક વધુ બે કાર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. કલોલના એમડી મસાલા પાસે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહેસાણા તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર GJ 18 EB 8847ના ચાલકે તેની કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હાઈવેના ડિવાઈડર પરની લોખંડની રેલિંગ તોડીને સામેની લેનમાં જતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહેસાણા તરફથી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને સામેથી આવતી કાર સાથે ધડાકા સાથે અથડાઈ હતી. સામેની કારમાં કડીના ગોપાલ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ મણીભાઈ પટેલ અને તેમના પત્ની દર્શનાબેન પટેલ તેમની કાર GJ 18 ED 1653 માં અમદાવાદથી કડી પરત ફરી રહ્યા હતા. ત્યારે મહેસાણા તરફથી આવેલી કાર ધડાકા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.આ ઘટનાં જાણ આસપાસના લોકો અને વાહનચાલકોએ થતા આ બન્ને કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને પ્રથમ કલોલની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ અને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે એક કલાકથી વધુ સમય સુધી હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. દર્શનાબેન શૈલેષભાઈ પટેલે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે