વડોદરામાં નરહરિ બ્રિજ રોડ પર 8 ફુટનો મગર લટાર મારવા નિકળતા લોકોમાં નાસભાગ મચી
- મગરને જોતા જ લોકો પોતાના વાહનો રોડ પર મૂકી ભાગ્યા,
- લોકોની ભીડને કારણે રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી સર્જાઈ ,
- રેસ્ક્યુની ટીમે ભારે જહેમત બાદ મગર પકડાયો,
વડોદરાઃ શહેરના મધ્યમાંથી વિશ્વીમિત્રી નદી પસાર થાય છે. હાલ ચોમાસાની સીઝનમાં નદીમાંથી મગરો અવાર-નવાર બહાર આવી જતા હોય છે. ત્યારે નરહરિ વિશ્વામિત્રી બ્રિજ રોડ પર રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા કુતૂહલ સર્જાયું હતું. આ મહાકાય મગર અચાનક રોડ પર આવી જતા વાહનચાલકો પોતાના વાહનો રોડ પર છોડી ભાગ્યા હતા. તો કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યુ હતું. આ અંગેની જાણ થતા વન વિભાગને સાથે રાખી રેસ્ક્યૂ ટીમે મગરને સહીસલામત પાંજરે પૂર્યો હતો અને વન વિભાગને સુપ્રત કર્યો હતો.
વડોદરા શહેરના નરહરિ હોસ્પિટલ પાસે આવેલા કમિશનર બંગલોના પાછળના ભાગે આવેલી વિશ્વામિત્રી નદી પરના નરહરિ બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર લટાર મારવા નિકળ્યો હતો. રોડ પર મગરને જોતા જ લોકો પોતાના વાહનો રોડ પર મૂકી ભાગ્ય હતા. આ અંગેનો કોલ રેસ્ક્યૂ ટીમને આપવામાં આવતા ભારે જહેમત બાદ આખરે મગરને પકડવામાં સફળતા મળી હતી. મહાકાય મગરને પકડવા માટે લોકોની ભારે ભીડના કારણે રેસ્ક્યૂ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરાની વિશ્વામિત્રી નદી તેમજ જિલ્લાના તળાવોમાં મગરના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે, કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવતુ હોય છે. શહેરમાં ચોમાસાની સીઝનમાં મગરો અનાર-નવાર રોડ પર આવી જતા હોય છે.