અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે
- બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે
- પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે
- રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા બન્યા છે. અને બીઆરટીએસ કોરીડોરની બહાર એએમટીએસ બસો દોડતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. ત્યારે હવે એએમટીએસ બસો બીઆરટીએસ કોરીડોરમાં જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાશે. તેમજ પ્રવાસીઓને પણ એક જ સ્ટેન્ડ પરથી બીઆરટીએસ અને એએમટીએસ બસની સેવા મળી રહેશે.
અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરટીએસની બહારના રોડ પર મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે એએમટીએસ બસોને કોરિડોરમાં દોડાવવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો દોડાવાશે. જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો કોરિડોરમાં દોડાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, બીઆરટીએસ કોરીડોરની આજુ બાજુના રોડ પર વાહનો વધુ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે. બસોને અવરજવરમાં તકલીફ પડતી હોય છે. ટ્રાફિક સિગ્નલ ઉપર પણ બસોના ઉભા રહેવાનો સમય વધારે જતો હોય છે. મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસ રૂટની બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરીડોરમાં બસો દોડવાના કારણે એએમટીએસ બસનો અવરજવરનો સમય બચશે, જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના શહેરીજનોને પણ એક જ બસ સ્ટેન્ડથી એએમટીએસ અને બીઆરટીએસની બસો ઉપલબ્ધ થાય તે હેતુથી પાંચ રૂટની બસો જ્યાં પણ બીઆરટીએસ કોરિડોર આવતો હશે તેમાં જશે અને બસ સ્ટેન્ડ પર ઉભી રહેશે. આવતીકાલ 25 એપ્રિલને શુક્રવારથી પાંચ રૂટની 49 બસો કોરિડોરમાં દોડશે. એક જ કોરિડોરમાં બંને બસો દોડવાની હોવાથી બસોના શિડ્યુલ કે હાલના ટીકીટ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એએમટીએસ કન્સેશનના દરના પાસ માન્ય રહેશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી એએમટીએસ બસની ટિકિટ નહીં મેળવી શકાય માત્ર અવરજવર થઈ શકશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી બહાર નીકળતી વખતે સિક્યુરિટી ગાર્ડ તેઓની ટિકિટ ચેક કરી બહાર જવા દેશે.
આ અંગે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરિડોરની બહારના ભાગે ખૂબ જ ટ્રાફિક થતો હોવાથી એએમટીએસની પાંચ રૂટની બસો પ્રાથમિક ધોરણે બીઆરટીએસના કોરીડોરમાં દોડાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો પ્રવાસીઓને સરળતા અને ટ્રાફિકમાં સુધારો જોવા મળશે તો આગામી દિવસોમાં બધા રૂટ પરની બસો કોરિડોરમાં દોડાવવામાં આવશે. જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે રૂટ પરના પ્રવાસીઓને હવે એએમટીએસ બસ સ્ટેન્ડ નહીં, પરંતુ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી બસો મળી રહેશે. મુસાફરોને ઉનાળામાં તડકામાં કે ચોમાસામાં વરસાદમાં તકલીફનો સામનો કરવો નહીં પડે.