સોમનાથ મહાદેવજીના મંદિરમાં ગત મધરાતે સર્જાયો અમૃત વર્ષા સંયોગ
- ચંદ્ર સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક,
- દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે સંયોગ,
- સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે
સોમનાથઃ કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.
માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે.
આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણકે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનારા દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે. અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી.
કાર્તિકી પૂર્ણિમાના આ અદભુત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11:00 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રીએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.
આ વિશેષ પર્વેને વધુ દીપાવતા દ્રોણેશ્વર એસ.જી.વી.પી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ બેન્ડ સાથે રાત્રે મહાદેવ ની મહા આરતી સંગીત મય શૈલીમાં તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને દેશ વિદેશથી સોમનાથ આવનાર ભક્તો એ નિહાળીને બિરદાવી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તમામ વિદ્યાર્થીઓનું પ્રસાદ આપી સન્માન કર્યું હતું.
આ વિધાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું. હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને પોતાની સંગીતકલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભા અર્પણ કરી હતી.