વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાનમાં ‘અમૃત પરીવાર સંકુલ મિલન’ યોજાયું
અમદાવાદ: વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાન દ્વારા શ્રી વિપિનચંદ્ર પી. સુથારના નિવાસસ્થાને, શ્રી વ્રજરાજ સોસાયટી, ગાલા જિમખાના રોડ, બોપલ ખાતે પારિવારિક વાતાવરણમાં અમૃત પરીવાર સંકુલ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ પારિવારિક રમતો, ભજન અને “અમૃત પરીવાર” વિષય પર ચર્ચા યોજાઈ હતી. આ મિલનમાં ખાસ કરીને “અમૃત ભોજન” વિષય પર વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડૉ. હેમલ ભટ્ટ, એસોસિએટ પ્રોફેસર, કાલોલ આયુર્વેદિક કોલેજ, ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે “ઋતુ અનુસારે ભોજન” વિષય પર આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર માર્ગદર્શન આપ્યું હતું. તેમની જ્ઞાનસભર વાણીથી સમગ્ર સભા સમૃદ્ધ बनी હતી. સભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના ડૉ. હેમલ ભટ્ટે સંતોષકારક ઉત્તર આપ્યા હતા, જે સૌ માટે ઉપયોગી અને પ્રેરણાદાયક રહ્યા હતા.
આ મિલનમાં પ્રાંત અમૃત પરીવાર પ્રમુખ શ્રી નલિનભાઈ પંડ્યા અને પ્રાંત સંગઠક શ્રી માનસભૈયાની ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ પ્રેરણા અને માર્ગદર્શન આપનાર રહી હતી.
આગામી મિલન તા. 14 ડિસેમ્બર, 2025ના રોજ શ્રી રોહિત જાંગડના નિવાસસ્થાને, F-101, સ્વસ્તિકૃત એપાર્ટમેન્ટ, બોપલ તળાવ નજીક, ડી.પી.એસ. સ્કૂલ સામે, અમદાવાદ ખાતે યોજાશે. આગામી મિલનનો વિષય રહેશે — “શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પરિવારમાં જીવનમૂલ્યો”, જેનું માર્ગદર્શન શ્રી જયદેવ રાવલ આપશે.
આ પ્રસંગે વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી અમૃત પરીવાર સંકુલ મિલનમાં બોપલ અને ઘુમા વિસ્તારના તમામ પરિવારોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ભાગ લેવા હાર્દિક આમંત્રણ અને અપીલ કરવામાં આવે છે.