લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ મામલે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ મુદ્દે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક તેમના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આંતકી હુમલાની તપાસની પ્રગતિ અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં NIAના ડિરેક્ટર જનરલ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ રાષ્ટ્રીય રાજધાની તેમજ અન્ય મહાનગરોમાં હાલની સુરક્ષા વ્યવસ્થાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. અમિત શાહે અધિકારીઓને કડક સુરક્ષા માટે જરુરી પગલાં લેવા અને સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત ચેકિંગ વધારવાનુ સૂચન કર્યું હતું.
દિલ્હી વિસ્ફોટ બાદ અમિત શાહનો ગુરુવારનો નિર્ધારિત ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તેમણે અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવાનું હતું. સુરક્ષા પરિસ્થિતિની ગંભીરતા જોતા શાહે દિલ્હીમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે પણ અમિત શાહે બે વખત સુરક્ષા સમીક્ષા બેઠક કરી હતી, અને હવે ગુરુવારની બેઠકમાં દેશભરમાં ચુસ્ત અને ઉચ્ચ એલર્ટ પરિસ્થિતિ જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે