હંગામા વચ્ચે ફરી એકવાર સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ
નવી દિલ્હીઃ સદમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને હોબાળાને કારણે મંગળવારે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા, જેપી નડ્ડાએ જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથેના તેના સંબંધો અંગે કોંગ્રેસ પર આરોપોનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાના સભ્ય છે. વિપક્ષોએ સ્પષ્ટ કરવું જોઈએ કે જેઓ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે તેમની સાથે તેમના સંબંધો શું છે. દેશ જાણવા માંગે છે. તેમણે કહ્યું હતું કે વિદેશી શક્તિઓ આપણા દેશને અસ્થિર કરવા માંગે છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે.
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ તમામ આરોપોને નકારી કાઢ્યા અને તેમને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે શાસક પક્ષ અદાણીના મુદ્દા પર ચર્ચા કરવાથી ભાગી રહ્યો છે. ગૃહની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે અધ્યક્ષ જગદીપ ધનખરે તેમની ચેમ્બરમાં નડ્ડા અને ખડગે સાથે બેઠક યોજી હતી.
કાર્યવાહી શરૂ થયાની 6 મિનિટમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. એ જ રીતે અધ્યક્ષ જગદીપ ધનખરે પણ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ તરત જ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં ફરીથી ઘોંઘાટ અને સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો. જેના પગલે હંગામા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી હવે બુધવાર 11 ડિસેમ્બરે ફરી શરૂ થશે.