તણાવ વચ્ચે ઉરી જિલ્લાના ગામોને ખાલી કરાયાં, નાગરિકોને શ્રીનગર મોકલવાયાં
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ઉરી જિલ્લાના તમામ સરહદી ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. બધા નાગરિકોને બસ દ્વારા શ્રીનગર મોકલવામાં આવી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યા પછી પાકિસ્તાન ભારતીય સરહદ પર સતતત હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે પાકિસ્તાને ભારતને નિશાન બનાવીને અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા, જેને ભારતીય સેનાએ હવામાં જ તોડી પાડ્યા હતા. દરમિયાન, પાકિસ્તાન તરફથી LoC પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર ચાલુ છે. પાકિસ્તાને ઉરી સેક્ટરના લઘમા ગામને પણ નિશાન બનાવ્યું છે. લઘમા ગામમાં સરહદ પારથી પડેલા બોમ્બથી એક દુકાનનો નાશ થયો. આ બોમ્બ એક દુકાન પાસે પડ્યો હતો, જેના કારણે દુકાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી, પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક મોટા પાયે ગોળીબાર કર્યો છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે.