અમેરિકા: ટ્રમ્પ સાથેની મુલાકાત રહસ્યમય, શહબાઝ-મુનીરની બેઠકની તસવીરો કે વિડિયો જાહેર ન થયા
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. જોકે, આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. ટ્રમ્પે અગાઉ જ મીડિયા સાથેની વાતચીતમાં બેઠક મોડેથી શરૂ થવાની વાત કહી હતી. હવે વ્હાઇટ હાઉસ તરફથી બેઠક બાદ પણ કોઈ તસવીર કે વિડિયો જાહેર ન થતા આ મુલાકાત વધુ રહસ્યમય બની ગઈ છે.
સામાન્ય રીતે વ્હાઇટ હાઉસ ટ્રમ્પ સાથેની બેઠક પહેલાં તેમની અને અન્ય રાષ્ટ્રપ્રમુખોની તસવીરો જાહેર કરે છે. ઘણીવાર બેઠક બાદ પણ તસવીરો કે વિડિયો બહાર પાડવામાં આવે છે. ટ્રમ્પ મોટાભાગે મુલાકાતી રાષ્ટ્રપ્રમુખ સાથે મીડિયા સમક્ષ પણ હાજર રહે છે. પરંતુ, પાકિસ્તાની નેતાઓ સાથેની આ બેઠક અંગે કોઈ પણ તસવીર કે વિડિયો જાહેર ન થતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ ટ્રમ્પે તુર્કિયાના રાષ્ટ્રપતિ રજબ તાઈબ એર્દોગાન સાથે મુલાકાત કરી હતી, જેના ફોટા અને મીડિયા સાથેની વાતચીતનો વિડિયો વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાનના મામલે આ પરંપરા ન જાળવાઈ. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ બેઠકમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ હાજર રહ્યા હતા. બેઠક સકારાત્મક માહોલમાં થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો. જોકે, બેઠક આશરે અડધો કલાક મોડેથી શરૂ થઈ. પાકિસ્તાની પક્ષે વિલંબનું કારણ આપતાં જણાવ્યું કે ટ્રમ્પ કેટલીક કાર્યકારી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, જેના કારણે બેઠક મોડેથી શરૂ થઈ.