અમેરિકાએ ભારત-રશિયાને ચીન સમક્ષ ગુમાવ્યાઃ ડોનાલ્ડ ડ્રમ્પ
નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચે વધતા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ભારત-રશિયા સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લખ્યું કે, “અમને લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા છે. કાશ તેમનો સંબંધ લાંબો અને સમૃદ્ધ ભવિષ્ય લઈને આવે.” ટ્રમ્પે આ પોસ્ટ સાથે શાંઘાઈ સહકાર સંગઠન (SCO) બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે દેખાતી તસવીર પણ શેર કરી છે.
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સાથે ટેરિફ વિવાદ ગરમાયો છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં SCO બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે ચીનની સૈન્ય પરેડ દરમિયાન પુતિન અને જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા હતા.
ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. તેમના મતે ભારત રશિયાથી મોટા પાયે તેલ ખરીદે છે અને તેને “સજા” રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રેસ બ્રિફિંગમાં ટ્રમ્પે કહ્યું કે, “લાંબા સમય સુધી અમેરિકા-ભારત સંબંધ એકતરફી રહ્યા. ભારત અમેરિકી માલ પર 100% ટેરિફ લગાવે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.”