અમેરિકાઃ જંગલમાં લાગેલુ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાયો, 26થી વધારે લોકોના મૃત્યુ
લોસ એન્જલસઃ અમેરિકાના પશ્ચિમ કિનારાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે અને હજારો ઘરો નાશ પામ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ અઠવાડિયે પવન વધુ તીવ્ર બનશે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે આગ ઓલવવાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 16 લોકો ગુમ છે અને આ સંખ્યા વધી શકે છે.
રાષ્ટ્રીય હવામાન સેવાએ બુધવાર સુધી ગંભીર આગની સ્થિતિ માટે ઉચ્ચ-સ્તરની ચેતવણી જારી કરી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ આ વિસ્તારમાં ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી હતી, જ્યારે પર્વતીય વિસ્તારોમાં ૧૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાનશાસ્ત્રી રિચ થોમ્પસનએ જણાવ્યું હતું કે મંગળવારે આગ વધુ તીવ્ર બનવાની ધારણા છે.
લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ચીફ એન્થોની સી. મેરોને જણાવ્યું હતું કે આગ બુઝાવવાના પ્રયાસોને ઝડપી બનાવવા માટે 70 વધારાના પાણીની ટ્રકો પહોંચી ગઈ છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે ઇટન-એરિયામાં લાગેલી આગમાં 12 લોકો ગુમ થયાના અહેવાલ છે અને પેલિસેડ્સમાં ચાર લોકો ગુમ થયા છે.
લુનાએ જણાવ્યું હતું કે ઘણા લોકો ગુમ થયા હોવાની શક્યતા છે અને અધિકારીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાં કેટલા ગુમ થયા છે. આ દરમિયાન, મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે.
લોસ એન્જલસ કાઉન્ટી કોરોનર ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેલિસેડ્સ વિસ્તારમાં આગમાં આઠ લોકો અને ઇટન વિસ્તારમાં આગમાં 16 લોકો માર્યા ગયા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક વધી શકે છે.