અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષાદળોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. તેમજ સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરીને આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સમર્થનની ખાતરી આપી છે. દરમિયાન અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે.
અમેરિકાના વિદેશ વિભાગએ પોતના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતમાં અનેક શહેરોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા અને અશાંતિ સંભવ છે. જેથી આ રાજ્યની યાત્રા ના કરવી જોઈએ. આ વિસ્તારમાં હિંસાની ઘટના બની શકે છે. ભારત સરકારે પણ વિદેશી પ્રવાસીઓને એલઓસી પાસે કેટલાક વિસ્તારમાં અનુમતિ આપી નથી. અમેરિકાએ સરકારી કર્મચારીઓની કાશ્મીરની યાત્રા ઉપર પણ હાલ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવાની માંગણી કરી રહ્યાં છે.