અમદાવાદમાં AMC દ્વારા એસજી હાઈવે પર 5 ફુટ ઓવરબ્રિજ બનાવાશે
- નિરમા યુનિવર્સિટી પાસે, થલતેજ અંડરપાસ વચ્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે
- પકવાન ક્રોસ રોડ નજીક, અને ગોતામાં પણ ફુટ ઓવરબ્રિજ બનાવાશે
- SG હાઈવે પર અકસ્માતો ઘટાડવા મ્યુનિએ કર્યો નિર્ણય
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા એસજી હાઈવે પર રાહદારીઓ માટે 5 ફુટ બ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં નિરમા યુનિવર્સિટી, ગોતા, પકવાન ક્રોસ રોડ, થલતેજ અંડરબ્રિજ, વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. આ ફુટ બ્રિજથી રાહદારીઓ રોડ ક્રોસ કરી શકશે, સિનિયર સિટીઝન સહિત તમામ નાગરિકોને અગવડ ન પડે તે માટે ફૂટ ઓવર બ્રિજમાં એસ્કેલેટર પણ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાંથી પસાર થતો એસ.જી. હાઇવે સૌથી વધુ ટ્રાફિક અને વાહનોની અવર-જવરથી ધમધમતો રહે છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભરચક ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઇવે પર નાગરિકોને રસ્તાઓ ઓળંગવામાં સરળતા રહે અને અકસ્માતોનો ભોગ ન બનવું પડે તે હેતુથી પીપીપી ધોરણે પાંચ ફૂટ ઓવર બ્રિજ નિર્માણ કરશે. આ અંગે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉ એએમસી દ્વારા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે એસ.જી. હાઇવે પર અકસ્માત ઘટાડવા માટે પાંચ મુખ્ય જંક્શન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા એસ.જી. હાઇવે પર ગોતા ફ્લાય ઓવરથી વૈષ્ણોદેવી સર્કલ, નિરમા યુનિવર્સિટીના રોડ પર ફૂટ ઓવર બ્રિજ બનશે. એસ.જી. હાઇવે પર લોડિંગ વાહનોની પણ મોટાપાયે અવર-જવર થતી હોવાથી તમામ ફૂટ ઓવર બ્રિજની ઉંચાઈ લગભગ 5 મીટર રાખવામાં આવશે. તથા સિનિયર સિટીઝન સહિત તમામ નાગરિકોને અગવડ ન પડે તે માટે ફૂટ ઓવર બ્રિજમાં એસ્કેલેટર પણ રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરના સાત ઝોનમાં આવેલા મુખ્ય રસ્તા પર જ્યાં ટ્રાફિક વધુ હશે અને રાહદારીઓની અવર-જવર હશે ત્યાં પણ ફૂટ ઓવર બ્રિજ માટે સર્વે કરવામાં આવશે.