અમદાવાદમાં વર્કિંગ વુમન માટે એએમસી દ્વારા હોસ્ટેલ બનાવાશે
- શહેરના એસજી હાઈવે પર મકરબા ખાતે વુમન હોસ્ટેલ બનાવાશે
- ડ્રેનેજની સફાઈ માટે વિવિધ મંડળીઓની કામગીરીનો રિપોર્ટ મંગાવાયો
- કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીનની મરામત માટે 44 લાખનો ખર્ચ કરાશે
અમદાવાદઃ શહેરમાં ખાનગી કંપનીઓમાં બહારગામની અનેક મહિલાઓ નોકરી કરી રહી છે. આવી શિક્ષિક મહિલાઓને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી પીજીમાં કે ફ્લેટ ભાડે રાખીને ગૃપમાં મહિલાઓ રહેતી હોય છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે શહેરના એસજી હાઈવે પર મકરબા ખાતે વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસજી હાઇવે પર વાયએમસી ક્લબ પાસે મકરબા ખાતે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વુમન હોસ્ટેલ બનાવવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને ચાર માળની વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. આ જગ્યા ઉપર અમદાવાદ હાટ બનાવવા અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એક જ જગ્યાએ અમદાવાદ હાટ અને વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર સફાઈ કરવા માટે વિવિધ મંડળીઓ મૂકવામાં આવી છે. આવી મંડળીઓ દ્વારા યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દ્વારા વિવિધ મંડળીઓ દ્વારા ક્યાં કેટલી સફાઈ કરવામાં આવી છે અને કેટલું પેમેન્ટ કેવી રીતે અને કોના ખાતામાં જમા થાય છે? તે અંગેની માહિતી માંગવામાં આવી છે. વિવિધ સફાઈ મંડળીઓમાં ભાજપ અને કોંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની મંડળીઓ ચાલતી હોવાનું કહેવાય છે. ત્યારે હવે ભાજપના જ ચેરમેન દ્વારા આવી માહિતી માંગવામાં આવતા રાજકીય વિવાદ ઉભો થાય એવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ- કર્મચારીઓની ઓનલાઈન બાયોમેટ્રિક મશીન મારફતે હાજરી પુરવામાં આવે છે. જે મશીનોના મેઈન્ટેનન્સ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો છે. વાર્ષિક રૂ. 11 લાખ લેખે ચાર વર્ષનો 44 લાખ ખર્ચ કરવામાં આવશે.