For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે ચેકિંગ માટે AMCના અધિકારીઓને અપાયો આદેશ

05:11 PM Oct 08, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે ચેકિંગ માટે amcના અધિકારીઓને અપાયો આદેશ
Advertisement
  • મ્યુનિની હોસ્પિટલોમાં રાત્રે દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ થતા રહે છે,
  • મ્યુનિના 15 અધિકારીઓને ચેકિંગની જવાબદારી સોંપાઈ,
  • રાત્રે સ્ટાફની હાજરી સહિતની વિગતો તપાસીને રિપોર્ટ આપવો પડશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં રાતના સમયે દર્દીઓ કે દર્દીઓના સગાઓ અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટીમાં કેટલાક કર્મચારીઓ ઊંઘી જવાની અને ગેરહાજર રહેતા હોવાની પણ ફરિયાદો મળતા મ્યુનિ.કમિશનરે રાતના સમયે સમયાંતરે ચેકિંગ માટેની અધિકારીઓને સુચના આપી છે. આ માટે 15 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપીને રિપોર્ટ આપવા પણ સુચના આપવામાં આવતા મ્યુનિની હોસ્પિટલના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં રાતના સમયે અનેક ફરિયાદો મળતી હોય છે. જેમાં મ્યુનિના હોસ્પિટલોમાં રાત્રે સારવાર માટે આવતા દર્દીઓ તેમજ પરિવારજનો સાથે ડોક્ટરો અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ તેમજ ગેરવર્તણૂકથી લઈને અલગ અલગ પ્રકારની ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોસ્પિટલના અધિકારીઓને રાત્રિ ચેકિંગ કરવાની સૂચના આપી છે. 15 અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે દરેક અધિકારીને મહિનામાં બે વખત ચેકિંગ કરી અને કોર્પોરેશનની 311 એપ્લિકેશન ઉપર ફોટા સાથે વિગતો મૂકવાની રહેશે.

શહેરમાં એએમસી સંચાલિત મણિનગર એલજી હોસ્પિટલ, સરસપુર શારદાબેન હોસ્પિટલ, એલિસબ્રિજની વીએસ હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ, એનએચએલ મેડિકલ કોલેજ અને નરેન્દ્ર મોદી મેડિકલ ડેન્ટલ કોલેજ, મેટ નર્સિંગ કોલેજ અને ઓટોમેટિક કોલેજ તેમજ ફિઝિયોથેરાપી કોલેજમાં રાત્રિના સમયે ડોક્ટરો તેમજ સ્ટાફની હાજરી ખાસ તપાસવામાં આવશે. રાત્રિના સમયે કેટલાક ડોક્ટરો અને સ્ટાફ સુઈ જતા હોવાના કારણે જે પણ દર્દીમાં સારવાર માટે આવે છે તેના માટે ડોક્ટરને બોલાવવા જવા પડતા હોય તેવા બનાવો સામે આવતા કમિશનર દ્વારા હોસ્પિટલ અને કોલેજના આસિસ્ટન્ટ મેનેજર તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓને નાઈટ ચેકિંગની સૂચના આપી છે.

Advertisement

એએમસી સંચાલિત હોસ્પિટલ/કોલેજ/હોસ્ટેલ કે અન્ય સ્થળની નાઈટ ચેકિંગમાં કેજયુલટીમાં દર્દીઓની સારવારની વ્યવસ્થા, સફાઇ, રેસીડેન્ટ તથા અન્ય તબીબી સ્ટાફની હાજરી તેમજ અન્ય જરૂર જણાય જેવી બાબતોનું ચેકીંગ કરવાનું રહેશે. ચેકીંગના 311 એપ્લિકેશનમાં ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો, સિક્યુરીટીની કામગીરી બાયોમેડીકલ વેસ્ટની નિકાલ વ્યવસ્થા, દર્દીઓ માટેના તેમજ વિઝીટર માટેના ટોઇલેટ બ્લોકમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જળવાય છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે. હોસ્પિટલમાં કોન્ટ્રાકટના સ્ટાફ જેવા કે પી.સી.એ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફની બાયોમેટ્રીક એટેડેન્ટના આધારે હાજરી પુરાય છે કે નહિ તેમજ તેઓને સોપાયેલ સ્થળ પર કામગીરી કરી રહેલાં છે કે નહિ તેની પણ ચકાસણી કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement