For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં નવા બનતા રોડની ગુણવત્તા તપાસવા માટે AMC કમિશનરએ નિરિક્ષણ કર્યું

04:40 PM Nov 18, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં નવા બનતા રોડની ગુણવત્તા તપાસવા માટે amc કમિશનરએ નિરિક્ષણ કર્યું
Advertisement
  • 31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સુચના અપાઈ,
  • કોન્ટ્રાકટરોને ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ,
  • મ્યુનિના ઈજનેરોને પણ સ્થળ પર હાજર રહીને ધ્યાન આપવા આપી સુચના

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડના મરામતના કામો તેમજ કેટલાક વિસ્તારોમાં રોડ રિસરફેસના કામો ચાલી રહ્યા છે. રોડ ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તે માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ મ્યુનિના ઈજનેરોને હાજર રાખીને નિરીક્ષણ કર્યુ હતું. અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તના દરેક ધોરણનું પાલન કરવા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. તેમજ મ્યુનિના ઈજનેરોને પણ પ્રામાણિકતાથી જવાબદારી નિભાવીને રોડના કામ દરમિયાન સ્થળ પર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી.મ્યુનિ.કમિશનરે બાકી રહેલા રોડના કામો 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે શહેરના દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટમિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરી હતી.

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તા યુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેના ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી.

Advertisement

મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જે પણ રોડ પર ખાડા પડ્યા છે અથવા રીસરફેસ કરવાની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક રીસરફેસ કરવા માટે જણાવ્યું હતું. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 જેટલા રોડ પુરા કરવા માટે જણાવ્યું છે. અત્યાર સુધીમાં 32 જેટલા રોડની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં અમદાવાદ શહેરમાં 13 પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ 6500થી 7000 મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement