AMC વીજ થાંભલાની મરામત માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપે છે, છતાંયે અકસ્માતો સર્જાય છે
- કોન્ટ્રાકટરોને એક પોલ માટે રૂ.100 ચૂકવાય છે, પણ મેન્ટેનન્સ ઝીરો,
- નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું,
- તંત્રની બેદરકારીથી નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી
અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક પોલ યાને વીજળીના થાંભલાની મરામત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. છતાંયે સ્ટ્રીટ લાઈટ માટેના વીજળીના થાંભલાની યોગ્યરીતે મરામત કરવામાં આવતી નથી. વીજળીના થાંભલા પરના બોક્સ પર ખૂલ્લા વાયરો લટકતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં શહેરના નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું. જો કે, શહેરમાં હજુ ઘણા વીજ થાંભલા જોખમી હાલતમાં છે. આ અંગે મ્યુનિના જવાબદાર અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટલાઈટના વીજ પોલની મરામત માટે દર મહિને કોન્ટ્રાક્ટરોને કરોડોની લહાણી કરવામાં આવે છે, પણ મેન્ટેનન્સના નામે કોઈ કામ થતું નથી. એક થાંભલા માટે રૂ. 100 ફાળવાય છે. જોકે તેમાં બેદરકારીથી કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો વળતર મળતું નથી. મ્યુનિ. અને કોન્ટ્રાક્ટરો એકબીજા પર જવાબદારી ઢોળીને છટકી જાય છે. ગઈ તા. 30 જૂને મ્યુનિ. સ્ટ્રીટ પોલના ચીફ સિટી ઇજેનેર મહેન્દ્ર નીનામા, ડે. સિટી ઇજનેર, ઉત્કર્ષ મડિયા, ડે. સિટી ઇજનેર કિરીટ દેલોલિયા,ડે. સિટી ઇજનેર, પંકજ પટેલને કોન્ટ્રાક્ટરની ખોટી રીતે ફેવર કરવા બદલ ચાર્જશીટ અપાઈ હતી. સ્ટ્રીટ લાઇટના થાંભલાની ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની જવાબદારી સંભાળતાં કોન્ટ્રાક્ટરોની ફરજ છે કે તેઓ કોઈ પણ અકસ્માત ન થાય તે માટે દેખરેખ રાખે. ઉપરાંત નિયમિત રીતે આ થાંભલાની મુલાકાત લઈ તેમાં કોઈ છેડછાડ થઈ નથીને તે જોવાની જવાબદારી પણ તેમની હોય છે તેવી મ્યુનિ.ના ટેન્ડરમાં શરત છે. પણ તેનુ પાલન થતું નથી. તંત્રની બેદરકારીથી જો કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી. જીપીએમસી એક્ટ મુજબ મ્યુનિ.ની ભૂલ હોય તો વળતરની જોગવાઇ છે. જોકે મ્યુનિ.ની મોટા ભાગની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ આપી દેવામાં આવે છે ત્યારે આ પ્રકારનો જો અકસ્માત સર્જાય તો તેમાં જવાબદારી સીધી કોન્ટ્રાક્ટરની રહે છે.