અમરનાથ યાત્રા: 3.77 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
નવી દિલ્હીઃ આ વર્ષે તારીખ 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 3.77 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. સોમવારે 1635 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 374 શ્રદ્ધાળુઓને લઈને 17 વાહનોનો પહેલો કાફલો સવારે 3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો, જ્યારે 1261 શ્રદ્ધાળુઓને લઈને 42 વાહનોનો બીજો કાફલો સવારે 4 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો.
અમરનાથ શ્રાઇન બોર્ડે (SASB) કહ્યું હતું કે, રવિવારે શ્રીનગરના દશનામી અખાડા ભવનના અમરેશ્વર મંદિરમાં 'છડી સ્થાપના' સમારોહ યોજાયો હતો. 29 ઓગસ્ટના રોજ નાગ પંચમીના અવસરે આ જ મંદિરમાં છડી પૂજન કરવામાં આવશે અને 4 ઓગસ્ટના રોજ છડી મુબારકની અંતિમ યાત્રા પવિત્ર ગુફા માટે રવાના થશે.
આ વખતે અમરનાથ યાત્રા માટે, પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા માટે કડક પગલાં લીધા છે. સેના, BSF, CRPF, SSB અને સ્થાનિક પોલીસની સાથે, 180 વધારાની CAPF ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભગવતી નગર યાત્રી નિવાસથી ગુફા મંદિર સુધીનો સમગ્ર માર્ગ અને તમામ ટ્રાન્ઝિટ કેમ્પ સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે.
પહેલગામ રૂટ પરથી મુસાફરી કરતા ભક્તો 46 કિલોમીટરનું પગપાળા પ્રવાસ કરે છે, જેમાં ચંદનવારી, શેષનાગ અને પંચતરણીનો સમાવેશ થાય છે. આ યાત્રા સામાન્ય રીતે ચાર દિવસમાં પૂર્ણ થાય છે. બીજી તરફ, બાલતાલ રૂટ પરથી મુસાફરી કરતા ભક્તોને ગુફા સુધી પહોંચવા માટે 14 કિલોમીટરનું પગપાળા પ્રવાસ કરવો પડે છે અને તે જ દિવસે પાછા આવી શકે છે.
સુરક્ષાના કારણોસર, આ વર્ષે યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. અમરનાથ યાત્રા 38 દિવસ સુધી ચાલશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે, જે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે છે. અમરનાથ ગુફાને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવે દેવી પાર્વતીને અમરત્વ અને શાશ્વત જીવનનું રહસ્ય કહ્યું હતું