રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 મંત્રીઓ પણ શપથ લેશે
નવી દિલ્હીઃ આજે રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ શપથ લેશે. રામલીલા મેદાનમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે રેખા ગુપ્તા સાથે બીજું કોણ શપથ લેશે. તેની સંપૂર્ણ યાદી પણ જાહેર કરવામાં આવી છે. તો રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 મંત્રીઓ પણ શપથ લેશે. આજે રામલીલા મેદાનમાં પદ અને ગુપ્તતાના શપથ લેનારાઓની યાદીમાં પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રાના નામ પણ સામેલ છે.
6 મંત્રીઓ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના આજે બપોરે 12.35 વાગ્યે નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ તેમાં ભાગ લેશે. ત્યારે રેખા ગુપ્તા સાથે પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, સરદાર મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર સિંહ (ઇન્દ્રરાજ) કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહ પણ શપથ લેશે.
દિલ્હીમાં રેખા ગુપ્તા આજે ચોથી મહિલા મુખ્યમંત્રી બનશે. તે દિલ્હીના શાલીમાર બાગથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. રેખા ગુપ્તાએ ગઈકાલે રાત્રે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને મળ્યા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે પ્રવેશ વર્મા મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતા. પરંતુ ભાજપે દર વખતની જેમ બધાને આશ્ચર્યચકિત કરીને રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવ્યા. દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્માનું નામ પણ હતું. પરંતુ ભાજપે પ્રવેશ વર્માને મુખ્યમંત્રી બનાવ્યા નહીં. હવે પ્રવેશ વર્મા રેખા ગુપ્તાના મંત્રીમંડળમાં મંત્રી બનશે.
રેખા ગુપ્તાના કરિયર વિશે વાત કરીએ તો, તેમણે 1992 માં દિલ્હી યુનિવર્સિટીની દૌલત રામ કોલેજમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાયેલી હતી અને 1996-97 માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ના પ્રમુખ બન્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓના મુદ્દાઓને સક્રિયપણે સમર્થન આપ્યું. 2007 માં ઉત્તર પિતામપુરાથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા પછી, તેમણે આ વિસ્તારમાં પુસ્તકાલય, પાર્ક અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ વિકસાવવા પર કામ કર્યું. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ સંકળાયેલા છે.