શિયાળામાં બદામ અને અખરોટ આરોગ્ય માટે ઉત્તમ
શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુકા મેવો ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બદામ અને અખરોટ, બંને જ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર નટ્સ છે, જેને તબીબો અને પોષણ નિષ્ણાતો શિયાળામાં નિયમિત રીતે ખાવાની સલાહ આપે છે. બન્ને નટ્સની તાસીર ગરમ હોય છે, એટલે શરીરને આંતરિક ગરમી પૂરી પાડે છે અને ઠંડીના પ્રભાવથી બચાવે છે.
બદામમાં વિટામિન E, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન અને સારા ફેટ્સ મળી રહે છે. અખરોટ પણ વિટામિન B6, વિટામિન E, મેગ્નેશિયમ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. ખાસ વાત એ છે કે અખરોટમાં ઓમેગા-3ની માત્રા બદામ કરતા વધુ હોય છે, જે શાકાહારી લોકો માટે એક ઉત્તમ સ્ત્રોત છે.
આયુર્વેદ અનુસાર બન્ને નટ્સ શરીરને ગરમી આપે છે, પરંતુ જો શિયાળામાં કોઈ એક પસંદ કરવું હોય તો અકરોટ વધુ અસરકારક માનવામાં આવે છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે, જેના કારણે ઠંડી, સર્દી કે ખાંસી જેવી તકલીફ થવાની શક્યતા ઘટે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, બદામ અને અખરોટ હંમેશાં પાણીમાં ભીંજવીને જ ખાવા જોઈએ જેથી તે વધુ પચનક્ષમ બને.
બદામ યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. તે બ્લડ શુગર કંટ્રોલ કરવા સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. જ્યારે અખરોટ મગજ માટે સર્વોત્તમ છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઑક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ખાલી પેટ અખરોટ ખાવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.
ડાયટિશિયનના મતે, ઉંમર અને શરીરની જરૂરિયાત મુજબ બન્ને નટ્સને સંતુલિત માત્રામાં લેવાં જોઈએ. ઉનાળામાં અખરોટનું સેવન થોડું મર્યાદિત રાખવું જોઈએ, જ્યારે શિયાળામાં તે દૈનિક ડાયટમાં ઉમેરવું લાભકારી સાબિત થાય છે.